આયુષ્માન કાર્ડ બન્યું જીવનરક્ષક : ગળપાદરના મહિલાને મળ્યું નવજીવન

image

હાર્ટ એટેક બાદ ખાનગી હોસ્પિટલના લાખોના ખર્ચમાંથી મુક્તિ, આયુષ્માન કાર્ડથી થયું સફળ ઓપરેશન
માહિતી બ્યૂરો, ભુજ
કચ્છના ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના ગુંસાઈ પરિવાર માટે આયુષ્માન ભારત યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ છે. કેન્દ્ર સરકારની આ જનકલ્યાણકારી યોજનાએ એક માતાનું જીવન બચાવીને આખા પરિવારમાં ખુશીઓ પરત લાવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મહત્વકાંક્ષી યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મજબૂત કવચ બની છે, જ્યાં ગંભીરમાં ગંભીર બીમારીની સારવાર પણ વિનામૂલ્યે શક્ય બની છે.
ગળપાદર ગામના નીતિનભાઈ ગુંસાઈના માતાને અચાનક હૃદયની ગંભીર તકલીફ થતા પરિવાર તાત્કાલિક તેમને આદિપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં તપાસ બાદ તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેમ જણાવી લાખો રૂપિયાના ખર્ચનો અંદાજ આપ્યો હતો. આટલો મોટો ખર્ચ સાંભળીને ગુંસાઈ પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. આવા કપરા સમયે પરિવારને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) વિશે જાણકારી મળી. પરિવારે તાત્કાલિક આયુષ્માન કાર્ડ કઢાવ્યું અને જે કાર્ડ તેમના માટે સંજીવની બની રહ્યું. કાર્ડ મળતા જ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં જ તેમના માતાનું સંપૂર્ણપણે નિઃશુલ્ક અને સફળ ઓપરેશન કરવામાં આવ્યું.
સમયસર સારવાર મળવાના કારણે આજે તેમના માતા સંપૂર્ણ સ્વસ્થ છે અને હરતું-ફરતું સામાન્ય જીવન જીવી રહ્યા છે.સફળ સારવાર બાદ નીતિનભાઈએ ભાવુક થતા જણાવ્યું હતું કે, “આયુષ્માન કાર્ડ ન હોત તો મારા માતાનું ઓપરેશન શક્ય જ ન હોત. એક પણ રૂપિયાનો ખર્ચ વગર અમને શ્રેષ્ઠ સારવાર મળી છે. આ માટે હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય વિભાગનો દિલથી આભાર માનું છું.” સાથે જ તેમણે અન્ય લોકોને પણ આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
આ ઘટના એ વાતની સાક્ષી છે કે, PMJAY યોજના ગ્રામ્ય વિસ્તારો સુધી અસરકારક રીતે પહોંચી છે અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી રહી છે.