ભચાઉના ખેડૂતને સ્માર્ટફોન સહાય બની મદદરૂપ

image

ખેડૂતોની આવક બમણી થાય અને તેઓ પરંપરાગત ખેતીની સાથે આધુનિક ટેકનોલોજી સાથે જોડાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે ભચાઉ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત હિતેશ ડાંગર માટે મોબાઇલ સહાય યોજના આશીર્વાદરૂપ બની છે.

આ યોજનાનો લાભ મળતા તેમના રોજિંદા ખેતી સંલગ્ન કામો વધુ સરળ અને ઝડપી બન્યા છે. હવે તેઓ હવામાનની અનિશ્ચિતતાની આગાહીથી લઈને સરકારની વિવિધ યોજનાકીય માહિતી ઘરે બેઠા મોબાઇલ પર મેળવી શકે છે.

આ અંગે ખેડૂત હિતેશભાઈ ડાંગરે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આજના સમયમાં કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે ખેડૂત તરીકે આપણે પણ જાગૃત બનવું ખૂબ જ જરૂરી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મેં i-ખેડૂત પોર્ટલ પર મોબાઇલ સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી હતી, જેના થકી મને સ્માર્ટફોન ખરીદી માટે રૂ. ૬,૦૦૦ ની સહાય પ્રાપ્ત થઈ છે. આ સહાયથી મારા અનેક કામો સરળ બની ગયા છે."

હિતેશભાઈના જણાવ્યા મુજબ, હવે તેઓ સ્માર્ટફોનની મદદથી ઘરે બેઠા હવામાન વિભાગની આગાહી, વરસાદની આગાહી, પાકમાં આવતા સંભવિત રોગ-જીવાતના ઉપદ્રવ અંગેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો અને નવીનતમ ખેત પદ્ધતિઓ વિશેની માહિતી મેળવી શકે છે. એટલું જ નહીં, રોગ નિયંત્રણની તકનીકો અને સરકારની અન્ય સહાયકારી યોજનાઓ માટે પણ તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે, જેના કારણે સરકારી કચેરીએ જવાનો સમય અને ખર્ચ બંને બચે છે.

સ્માર્ટફોન સહાયથી ખરેખર ખેતી સ્માર્ટ બની હોવાનું જણાવતા હિતેશભાઈએ આ માટે રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.