કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાનેસંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આજરોજ કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ કલેક્ટરશ્રીએ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને પ્રજાહિતના લક્ષ્ય સાથે કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે નખત્રાણા તાલુકાના નિરોણા તથા બીબર ગામના ખેડૂતોની જમીન અંગેનો પ્રશ્ન ઉકેલ લાવવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, જાબરી-તલ લૈયારી ખાતે ડેમ નિર્માણ, નખત્રાણા બાયપાસ માટેના કામની પ્રગતિ, કોઠારામાં એપીએમસી માર્કેટ યાર્ડ શરૂ કરવા બાબત, ખીરસરા(રોહા) અને ખીરસરા(નેત્રા)ના ખેડૂતોના રજિસ્ટ્રેશન કામગીરી, ૬૬ કે.વી વીજ સબ સ્ટેશન, જમીન વિહાણો વિચરતી જાતિના લોકોને જમીન ફાળવણી, ગૌચર જમીન, સાંથણીની જમીન, વિદ્યાર્થીઓ માટે નિયમિત એસ.ટી સેવા, આંગણવાડી, ખેડૂતોને વળતર સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મંજુલાબેન ચાવડાએ વિવિધ યોજનાઓની અરજીઓના નિકાલ, પાલરધુના વિસ્તારના સંરક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, જળસ્ત્રોતમાં ડીસિલ્ટિંગ કામ,સિંચાઇના કામ, ખનીજ ઉત્ખન્ન, સાંથણીની જમીન, જમીન માપણી રેકર્ડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
કચ્છ કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિશ્રોના પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે સબંધિત અધિકારીશ્રીઓને આંતરીક સંકલન કરીને નિકાલ કરવા સૂચના આપી હતી. આ સાથે ગ્રામીણ તથા શહેરોમાં સફાઇ સંદર્ભે વ્યવસ્થાપન કરીને કામગીરી કરવા, મિલ્કતોને આકારણી કરી રેકર્ડ પર લેવા, રખડતા પશુઓને પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવા, જિલ્લામાં ગામતળ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કેન્દ્ર કાર્યરત કરવા આયોજન કરવા, સબ સ્ટેશન તથા નવ નિર્માણ ડેમની કામગીરીની સમીક્ષા સહિત વિવિધ વિકાસના કામોમાં ઝડપ લાવવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પીશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, અધિક કલેક્ટરશ્રી પ્રણવ વીઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત કચ્છના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.