વધુ વ્યાજ અને વિદેશપ્રવાસની લાલચ સાથે અંજારના રોકાણકારો સાથે 59.98 લાખની છેતરપિંડી
`અમારી કંપનીમાં ફિક્સ ડિપોઝીટ કરશો, તો તેમને 9.75 ટકા વ્યાજ મળશે તેમજ વધુ રોકાણ કરશો, તો વિદેશ ટૂરનો લાભ મળશે’ તેવી લોભામણી લાલચ અને જાહેરાત તળે રોકાણપેઢીના ડાયરેક્ટર અને જનરલ મેનેજર સહિત કુલ પાંચ જણે અંજારના રોકાણકારોના નાણાં રોકાવીને રૂા. 59,98,107ની છેતરપિંડી આચરી હોવાનો મામલો પોલીસ દફતરે નેંધાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી અંજારમાં સ્વામિનારાયણ ગારમેન્ટ નામની દુકાન ચલાવતા રવિ ગિરીશભાઈ જોષીએ યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ તથા યુનિક સ્વયંમા મલ્ટિસ્ટેટ મલ્ટિ પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર કૈલાસ રાય, રાહુલ રાજકુમાર રાય, ડાયરેક્ટર ઉત્કર્ષ રાજકુમાર રાય, ઉષા રાજકુમાર રાય તેમજ જનરલ મેનેજર હસમુખભાઈ ડોડિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કંપનીના ભુજના સિનિયર એજન્ટ દ્વારા ફરિયાદીને રોકાણની વાત કરી એજન્ટ તરીકે જોડાશો, તો અલગથી કમિશન મળશે તેવુ જણાવ્યું હતું. ફરિયાદીએ ભુજ ખાતે યોજાયેલા સેમિનારમાં ભાગ લીધા બાદ તેમણે વર્ષ 2015માં માસિક રોકાણ યોજના તળે એક લાખનું રોકાણ કર્યું હતું, જેના પાકતી મુદ્દતે નાણાં પરત આવ્યાં હતાં. ત્યારબાદ ફરિયાદીએ વર્ષ 2017થી 2019 સુધીમાં જુદા-જુદા 14 જણ પાસે રોકાણ કરાવ્યું હતું. આરોપીઓએ આ રોકાણકારોના પાકતી મુદ્દતે રૂા.22,88,372 પરત આપ્યા ન હતા. આ ઉપરાંત આરોપીઓએ મનિષભાઈ ગીરધરલાલ પાટડિયાના રૂા. 8,75,418, જયંતભાઈ સુરેશચંદ્ર જોષીના પત્ની મીનાબેનના રૂા. 3,33,672, સાળી પૂનમબેન રૂા.10,58,772, સસરા ભગવતપ્રસાદના રૂા. એક લાખ તેમજ નીલેશ નટવરલાલ પાટડિયાના રૂા.1,80,873, હરિશ જમનાદાસ ઠક્કરના રૂા. 7.11 લાખ, મનોજભાઈ ભવાનજી જેઠવાના રૂા. 4.50 લાખ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.