છ વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં નરાધમને છેલ્લાશ્વાસ સુધીની જેલ

ગત તા. 12-1-26ના મુંદરા તાલુકામાં એક કંપનીમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા હતા અને પાછળથી તેની છ વર્ષની માસૂમ બાળાને હવસખોર નરાધમ 26 વર્ષીય મનીષકુમાર ગનૌરી મંડલએ પીંખીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં ભુજની ખાસ અદાલતે આરોપી મનીષકુમારને તકસીરવાન ઠેરવી અંતિમશ્વાસ સુધીની સખત કેદ તથા કુલ રૂા. 1.50 લાખનો દંડ ફટકારતાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ ઘૃણાસ્પદ અને ચકચારી બનાવના કેસની વિગતો અનુસાર આરોપી મનીષકુમારે ભોગ બનનાર બાળાને ચોકલેટ આપવાની લાલચ આપી અપહરણ કરી બાવળોની ઝાડીમાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજારી શારીરિક-માનસિક ઈજા પહોંચાડી હતી. બાળાને પીંખીને ફિટકાર સમાન આ બનાવની ફરિયાદના આધારે મુંદરા મરીન પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. વિવિધ પુરાવા એકત્ર કરી તપાસના અંતે જે-તે સમયે મુંદરા મરીન પોલીસ મથકના પી.આઈ. હાર્દિક એસ. ત્રિવેદીએ અદાલતમાં ચાર્જસીટ દાખલ કરી હતી. આ કેસ ભુજ ખાસ અદાલતમાં જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી જતાં પ્રોસિક્યુશન તરફે 34 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષી તપાસમાં આવ્યા હતા. આરોપી મનીષકુમારને કોર્ટે વિવિધ કલમો તળે તકસીરવાન ઠેરવી અંતિમશ્વાસ સુધીની સખત કેદ અને કુલ્લ મળીને રૂા. 1.50 લાખનો દંડ ફટકારતો આદેશ કર્યો હતો. કોર્ટે ભોગ બનનારને રૂા. ત્રણ લાખનું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.ને ભલામણ કરવાનો હુકમ કર્યો છે. આ કામે પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી. ભોગ બનાવનારના કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ગઢવી હાજર રહ્યા હતા.