લીવરની બીમારીથી પીડાતા રતનાલના ૩૧ વર્ષીય યુવાન હરેશભાઇનું આયુષ્યમાન કાર્ડે થકી લીવર ટ્રાન્સપ્લાન્ટ થતાં મળ્યું નવું જીવન

7 (3)

એક પણ ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિક સારવાર વિના રહી ન જાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે અનેક પરિવારો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થઈ રહી છે. લાખો રૂપિયાના ખર્ચાળ ઓપરેશન પણ આ કાર્ડથી વિના મૂલ્યે થતા અનેક લોકોને નવજીવન મળી રહ્યું છે. આવી જ એક હૃદયસ્પર્શી અને માનવીય સંવેદનાને ઉજાગર કરતી સફળતાની કહાની સામે આવી છે અંજાર તાલુકાના રતનાલ ગામના યુવાન હરેશભાઈ નારાણ માતાની, જેમને સરકારની યોજનાએ જીવતદાન આપી તેમના આખા પરિવારને ફરી ધબકતો કર્યો છે.

રતનાલમાં ઝેરોક્ષની નાનકડી દુકાન ચલાવી ઘરનું ગુજરાત ચલાવતા ૩૧ વર્ષીય હરેશભાઈને ૨૦૧૫માં તાવ આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની લીવરની સમસ્યા હોવાનું માલુમ પડ્યું હતું. આમ તેઓ વર્ષથી ૨૦૧૫ થી લીવરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા તબીબોએ લીવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર ઉપાય હોવાનું જણાવ્યું. આ ઓપરેશન માટે અમદાવાદ કે મુંબઈ જેવા મેટ્રો શહેરમાં રૂ. ૫૦ થી ૬૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે તેવું સાંભળીને મધ્યમવર્ગીય પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ અંગે હરેશભાઈ જણાવે છે કે, “આટલો મોટો ખર્ચ સાંભળીને મેં જીવવાની આશા જ છોડી દીધી હતી. ત્યારે જ અમને જાણવા મળ્યું કે આયુષ્માન કાર્ડ હેઠળ કોઈ પણ ખર્ચ વિના આ સારવાર શક્ય છે.” ત્યારબાદ હરેશભાઈ તેમના પરિવાર સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી એચ.એલ. ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ (IKDRC) ખાતે ગયા. ત્યાં તપાસ બાદ તબીબોએ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે તે નિદાન કન્ફર્મ કર્યું. “લીવર ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે તેઓ ૧૨ દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં ઇનડોર પેશન્ટ તરીકે દાખલ રહ્યા હતા. આ સમગ્ર દરમિયાન તમામ દવાઓ અને ઓપરેશન સહિતની તમામ સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવી. આજે સફળ ઓપરેશન બાદ હરેશભાઈ સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેમણે ભાવુક થતા કહ્યું કે, “હું કેન્દ્ર અને રાજ્ય સરકારનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ખર્ચ સાંભળીને મેં મારા દર્દમાંથી મુક્ત થવાની આશા છોડી દીધી હતી. પરંતુ સરકાર મારા માટે મસીહા બનીને આવી. આજે હું સ્વસ્થ બનતા મારો પુત્ર અને મારી પત્ની સહિતનો મારો આખો પરિવાર ફરી ધબકતો થયો છે, તેનો તમામ શ્રેય સરકારની આ ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓને જાય છે.”