આણંદ સ્ટેટ રેન્કિંગ ટીટીઃ મેન્સ અને વિમેન્સમાં ટાઇટલ માટે તીવ્ર સ્પર્ધા થશે

આણંદ : સિઝનમાં પ્રથમ પાંચ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં ચાર અલગ અલગ ખેલાડીઓએ ટાઇટલ જીત્યા હતા તે જોતાં 24થી 27મી સપ્ટેમ્બર દરમિયાન આણંદમાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, લોટિયા ભાગોળ ખાતે યોજાનારી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં મેન્સ અને વિમેન્સ બંનેમાં કોઈ પણ ખેલાડી ટાઇટલ જીતી શકે છે અને આકરી સ્પર્ધા જોવા મળશે.
આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના (GSTTA) નેજા હેઠળ આણંદ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાનારી છે જેમાં 616 એન્ટ્રી મળી છે.ચાર દિવસીય સ્પર્ધાના સ્પોન્સર રોટોમેગ અને અનુપમ છે જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)નો તેને સહયોગ મળ્યો છે અને સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર છે. આ ટુર્નામેન્ટ 2.90 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવે છે.
અમદાવાદના અભિલાષ રાવલે અત્યાર સુધીની પાંચમાંથી બે મેન્સ સ્ટેટ રેન્કિંગ ઇવેન્ટ્સ જીતી છે, જ્યારે સુરતના નુતાંશુ દયામા, અરવલ્લીના જન્મેજય પટેલ અને રાજકોટના જયનીલ મહેતાએ એક એક ટાઇટલ જીત્યું છે. આ ચારેય ખેલાડીઓ ડ્રોમાં સામેલ હોવાથી મેન્સ ઇવેન્ટમાં ટાઇટલ માટે આકરી ટક્કર જોવા મળે તેવી શક્યતા છે.
વિમન્સ સિંગલ્સમાં પણ સ્થિતિ આવી જ છે કેમ કે અમદાવાદની ત્રણ વખતની ચેમ્પિયન પ્રથા પવાર દાવેદારોમાં સામેલ હશે, જ્યારે સુરતની જોડી ફિલઝાહ ફાતીમા કાદરી અને આર્ફિન મુરાદ પણ સ્પર્ધામાં રહેશે.
જીએસટીટીએના પ્રમુખ શ્રી કાંતિ ભુવાએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને વિના મૂલ્યે ભોજન, ફળો, અમૂલ દૂધ અને તાજું લીંબુ પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે “અમે ખેલાડીઓને સ્પર્ધા દરમિયાન વિના મૂલ્યે ભોજન અને ઉત્કૃષ્ટ સુવિધાઓ પૂરી પાડવાન પરંપરા જારી રાખી રહ્યા છીએ જેથી તેઓ પોતાની રમત પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકે.”