નખત્રાણા તાલુકાના તલ લૈયારી વિસ્તારમાં જીયો ટાવર ના ધાંધિયા: તલ-લૈયારીના ‘બદનસીબ’ ટાવરની બદનસીબી આવી સામે!

કચ્છની ધગધગતી ધરતી પર નખત્રાણા તાલુકાના છેવાડાના સીમાડા સાચવતાં બે ગામડાં—તલ અને લૈયારી. સીમમાં લહેરાતા પાક અને મહેનતકશ માનવીઓની આ ભૂમિમાં અઠવાડિયાથી એક અજીબ આક્રોશની આગ ધગધગી રહી છે.

તલ ગામના પાદરે એક ઊંચો, લોખંડી ટાવર આકાશ આંબવાની હોડ બકાઈને ઊભો છે. જેના પર મોટો અક્ષરે લખેલું છે: ‘JIO’. પરંતુ આ જ ટાવર આજે આખા વિસ્તાર માટે “બદનસીબ ટાવર”નું પ્રતીક બની ગયો છે.

ટીવી અને છાપાંઓમાં રોજના હજારો દાવાઓ છવાયેલા રહે છે—’5G ક્રાંતિ’, ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘બદલાતી દુનિયા’. પણ તલ અને લૈયારીના ધૂળિયા માર્ગો પર આ વાતો હવામાં ઉડી જતી નીરસ અફવાઓથી વધુ કંઈ નથી. તલ લૈયારી ગામના લોકોને 5G ના આકાશી સપના નહોતા જોઈતા; એમની તો બસ એક જ સાદી અને હકની માંગ હતી—”અમને અમારું હકનું 4G તો સરખું વાપરવા દો!”

મોબાઈલના સ્ક્રીન પર સિગ્નલના કાંટા તો પૂરા દેખાય, પણ જેવું ઈન્ટરનેટ ચાલુ કરો કે ખૂણામાં ખુન્નસથી ‘E’ લખાઈને આવી જાય. ૨૯૯, ૩૪૯ કે પ૯૯ રૂપિયાના મોંઘા રિચાર્જ કરાવતા ખેડૂતો અને શ્રમજીવીઓ આજે પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. પરસેવાની કમાણીમાંથી કંપનીનું પેટ ભરતા આ ગામડાના કસ્ટમરો ચોરે ને ચૌટા એક જ સવાલ પૂછે છે: “શું અમે નીચ દરજ્જાના માનવીઓ છીએ કે અમારી સાથે આ મશ્કરી થાય છે?”

આ ગુસ્સામાં એક યુવાનનો તીખો આક્રોશ આખા ગામનો અવાજ બનીને ગૂંજ્યો: “રિચાર્જ પૂરું થવાના બે દિવસ પહેલા તો કંપનીના મેસેજોનો વરસાદ થઈ જાય છે કે ‘રિચાર્જ કરાવો, રિચાર્જ કરાવો!’ તો પછી આ તલના બદનસીબ ટાવરમાંથી નેટવર્ક ગાયબ છે એવો મેસેજ કંપનીના આકાઓને કેમ નથી જતો?”

વાત માત્ર ઈન્ટરનેટ મનોરંજનની નથી, વાત જિંદગીની રોજીંદી રફતારની છે.

ઓનલાઈન ભણવાના સપના જોતા વિદ્યાર્થીઓ હાથમાં મોબાઈલ લઈને નેટવર્કની શોધમાં ધાબે અને ઝાડ નીચે ભટકે છે.

ખેડૂતો અને વેપારીઓનો ધંધો અટકી પડ્યો છે, UPI પેમેન્ટ્સ નિષ્ફળ જાય છે અને સરકારી અનાજ મંડળી અને ડેરીઓના કામ ખોરવાઈ ગયા છે.

અને સૌથી કરુણ સ્થિતિ તો ત્યારે સર્જાય છે જ્યારે રાતના સમયે કોઈ બીમાર પડે અને ઈમરજન્સીમાં ડોક્ટર કે એમ્બ્યુલન્સને ફોન કરવા માટે પણ સિગ્નલ કરગેરવું પડે!

પણ હવે, તલ અને લૈયારીની જનતાનો સહનશીલતાનો ઘડો ભરાઈ ચૂક્યો છે. સાબરમતીના સત્યાગ્રહ જેવી એક નવી ચળવળ આ છેવાડાના ગામોમાં આકાર લઈ રહી છે.

ગામના આગેવાનો અને યુવાનોએ સ્પષ્ટ શબ્દોમાં આખરી અલ્ટીમેટમ આપી દીધું છે:
“હજુ એક અઠવાડિયું રાહ જોઈશું. જો દિવસ-રાત નેટવર્ક સરખું ન થયું, તો એસી કેબિનમાં બેસીને પગાર ખાતા અધિકારીઓના બહાના સાંભળવા અમે નવરા નથી. અમે આ JIO ટાવરનો બહિષ્કાર કરીશું, સીમકાર્ડના ટુકડા કરી ફેંકી દઈશું અને સીધા સરકારી BSNL નો હાથ પકડી લઈશું!”

કચ્છના છેવાડાના આ ગામડાઓનો આક્રોશ એ માત્ર એક નેટવર્કની ફરિયાદ નથી, પરંતુ ‘ડિજિટલ દંભ’ સામે સરહદી પ્રજાનો પડકાર છે. હવે જોવાનું એ રહે છે કે આ ‘બદનસીબ ટાવર’ રિપેર થાય છે કે પછી તલ-લૈયારીની જનતા જિયોના કોર્પોરેટ સામ્રાજ્યને BSNL નો શંખનાદ કરીને આકરો પાઠ ભણાવે છે!