લાખોંદ-શેખપીર વચ્ચે માથાકૂટમાં હત્યા

લાખોંદ-શેખપીર વચ્ચે ધોરીમાર્ગ પર છેક નેપાળથી આવેલા શ્રમિકો વચ્ચેની માથાકૂટ હત્યામાં ફેરવાઇ હતી. આ હત્યાના બનાવ અંગે પદ્ધરના પીઆઈ એ.કે. ખાંટ પાસેથી મળતી માહિતી મુજબ નેપાળનાએ અને ભીમો બંને સવારે છેક નેપાળથી ભુજ સવારે આવ્યા હતા. આ બંને શ્રમિક બપોરે લાખોંદથી શેખપીર વચ્ચે હતા, ત્યારે ત્યાં શ્રમિકો વચ્ચે માથાકૂટ થતાં આરોપી ભીમો ત્યાંથી નાશી ગયો હતો. આ ભીમાને બોલાવા-સમજાવા રાજેન્દ્ર તેની પાસે ગયો હતો. ભીમાને ભય હતો કે, આ લોકો ભેગા મળીને મને મારી નાખશે. રાજેન્દ્રને તેની પાસે આવતાં ભીમાએ પંક્ચરવાળા પાસેની ટામી ઉપાડી રાજેન્દ્ર ઉપર ઉઘામી દીધી હતી. ગંભીર ઈજાના પગળે રાજેન્દ્રનું ત્યાં જ ઢીમ ઢળી પડ્યું હતું. દરમ્યાન 108ને અજાણી લાશ પડી હોવાની વર્ધી મળતાં લાખોંદ અને શેખપીર વચ્ચેથી લાશ ઉપાડી જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવી પદ્ધર પોલીસને જાણ કરાતાં પોલીસ દોડતી થઈ હતી અને તપાસમાં એ અજાણી લાશ રાજેન્દ્રની હોવાનું સામે આવતાં તપાસમાં ઉપરોક્ત બનાવની વિગતો મળી હતી. નેપાળના રાજેન્દ્રનું મોત જાણે કચ્છમાં જ લખાયેલું હોય તેમ તે છેક નેપાળથી કચ્છ પહોંચ્યો અને મૃત્યુ પામ્યો છે. આ જે રીતે ઘટના બની અને જે લોકો એ નજરે જોઈ તેના પરથી હત્યારો ભીમો માનસિક રીતે અસ્વસ્થ હોવાનો લોકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. રાતે પોલીસે ફરિયાદ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.