નીરોણા હાઈસ્કૂલમાં બી.એડ. તાલીમાર્થી દીપભાઈ ચૌધરીને ભાવસભર વિદાય…તાલીમાર્થીએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વિશિષ્ટ છોડ શાળાને અર્પણ કર્યા

WhatsApp Image 2026-09-27 at 4.12.50 PM

નીરોણા: સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણા ખાતે ત્રણ માસની બી.એડ. તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી દીપભાઈ ચૌધરીને શાળા પરિવાર દ્વારા ભાવસભર વિદાય અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
પ્રાર્થના સભામાં યોજાયેલા વિદાય કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડૉ. વિ. એમ. ચૌધરી તથા સમગ્ર શાળા પરિવારે તાલીમાર્થી દીપભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ, પેન, પુસ્તક તથા શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું. ત્રણ માસ દરમિયાન શાળામાં વિવિધ શૈક્ષણિક તથા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મળેલા સહકાર બદલ દીપભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વિદાય પ્રસંગને યાદગાર બનાવતા દીપભાઈ ચૌધરીએ શાળાને ભેટસ્વરૂપે ત્રણ અલગ-અલગ પ્રકારના વિશિષ્ટ છોડ અર્પણ કર્યા હતા. NSS ઓફિસર રમેશભાઈ ડાભી તથા ઈકો ક્લબ ઈન્ચાર્જ અલ્પેશભાઈ જાનીને છોડ અર્પણ કરી તેમણે પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષો અને છોડના મહત્વનો સંદેશ આપ્યો હતો.
આ ઉપરાંત આચાર્યશ્રી તથા શાળાના તમામ શિક્ષકોને આભારપત્ર સાથે કલમ અર્પણ કરી દીપભાઈ ચૌધરીએ શાળા પરિવાર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતે આચાર્યશ્રી ડૉ. વિ. એમ. ચૌધરીએ દીપભાઈ ચૌધરીને તેમના ભાવિ શૈક્ષણિક અને વ્યવસાયિક જીવન માટે ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શાંતિ મંત્ર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.