સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત કચ્છ જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું

image

સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા જિલ્લામાં સ્વચ્છતા અને સ્વચ્છ પ્રવાસન સ્થળના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી વિવિધ પ્રવાસન તથા જાહેર સ્થળોએ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન પ્રવાસન સ્થળોના પરિસરની સ્વચ્છતા, કચરાની યોગ્ય રીતે સફાઈ તથા આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અંગે કામગીરી કરવામાં આવી હતી. સાથે જ પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ અભિયાન અંતર્ગત લખપત તાલુકાના નારાયણ સરોવર, માતાના મઢ, માંડવી તાલુકાના ડોણ ગામે, રાપર તાલુકાના રવ મોટી ગામે, ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામે ભુજ તાલુકાના હાજીપર અને કુરન ગામે નખત્રાણા તાલુકાના ચક્ષ મંદિર-કકડભીટ ગામે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સામેલ થઈને સ્વચ્છતા કામગીરી કરેલ, અંજાર તાલુકાના સતાપર ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ.

સ્વચ્છ પ્રવાસન સ્થળો માત્ર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ન બને, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપે તે માટે સૌના સહયોગથી સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.

આ સફાઈ અભિયાનમાં સંબંધિત ગામના સરપંચશ્રી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો જોડાઈને સ્વચ્છતા કામગીરીમાં સક્રિય સહભાગી બન્યા હતા. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા જાળવવામાં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓની ભાગીદારી મહત્વપૂર્ણ છે ત્યારે સૌએ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.