“મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન”

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે કચ્છ જિલ્લા સેવાસદન ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધ કાર્યક્રમ દરમિયાન નુક્કડ કાર્યક્રમ યોજી લોકજાગૃતિ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ કાળા ફુગ્ગા ઉડાવી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને લોકશાહી મૂલ્યો જાળવવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચની કામગીરી અને સંસ્થાકીય કબજાના આક્ષેપ સાથે કચ્છ જીલ્લા કોંગ્રેસે વિરોધ નોંધાવી કચ્છ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આવેદનપત્રમાં મુખ્ય ચૂંટણી કમિશનરના એકપક્ષીય નિર્ણયો, આઈટી સિસ્ટમનું કેન્દ્રીકરણ અને મતદાર યાદીમાં ગડબડ સહિતના મુદ્દે પ્રહાર કરી જ્ઞાનેશકુમારને પદ પરથી દૂર કરવા અને સમગ્ર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચમાં ચાલી રહેલી ગંભીર અનિયમિતતાઓ, સંસ્થાકીય કબજો અને લોકશાહી વિરોધી કામગીરીના આક્ષેપ સાથે કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ વી.કે.હુંબલની આગેવાની હેઠળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ માં હુંબલ સાહેબે જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી કમિશનરના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે ચૂંટણી કમિશનર ને એક સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કામ કરવાનું હોય પરંતુ ક્યાંક ને ક્યાંક થી ભાજપની સરકાર દેશમાં આવી ત્યારથી ચૂંટણી પંચ ભાજપનો દલાલ બની ને કામ કરી રહ્યા છે તો આ રીતે જો કામ કરશે ચૂંટણી પંચ તો લોકશાહી ખતમ થઈ જવાની છે. આ દેશમાં લોકતંત્ર મટી જવાનું છે અને મોદી સરકાર પોતાના ફાયદા માટે થઈ પોતાના નિયમો બનાવી ચૂંટણી પંચ વિરોધ ક્યાંય ફરિયાદ ન થઈ શકે એની સામે કોઈ ગુનો ન નોંધી શકાય આવા નિયમો બનાવેલા છે એની સામે સખત વિરોધ છે અને આ અમે નથી કહેતા તાજેતરમાં સામે આવેલા ચોંકાવનારા અહેવાલો મુજબ ચૂંટણી પંચના બે કમિશનરો (સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી) દ્વારા છેલ્લા ૧૦ મહિનામાં ઓછામાં ઓછા ૧૪ વખત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા લેવામાં આવેલા એકપક્ષીય નિર્ણયો સામે ઔપચારિક વાંધો નોંધાવવામાં આવ્યો છે.આ વિગતોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલા વોટ ચોરી અને ચૂંટણી તંત્ર સાથેની છેડછાડના આક્ષેપો વધુ પુષ્ટ થયાનું જણાવ્યું છે. એમાં SIR ની કામગીરી હોય, મતદાર યાદીની સુધારણા ની કામગીરી હોય, મતદારોના નામો દાખલ કરવાની કામગીરી હોય, તમામ જગ્યાએ ગેરરીતી કરી છે દેશ આખા એ આ બધું જોયું છે સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યા છે ખાલી કોંગ્રેસ પક્ષ નહીં પણ દેશના તમામ વિપક્ષો, તમામ યુવાનો, વિદ્યાર્થી મિત્રો આજે રોડ- રસ્તા ઉપર છે. બધાની માંગણી એક જ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવો તેની ધરપકડ કરો અને જે જગ્યાએ ગેરરીતી થયેલ છે તેમના બધા નિર્ણયોની તપાસ થવી જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અત્યાર સુધી આ ભાજપની સરકાર જ્યાં જ્યાં બની છે ત્યાં વોટ ચોરી કરીને બની છે તો આ વોટ ચોરી ન થાય અને લોકશાહીનું રક્ષણ થાય, લોકતંત્રનું રક્ષણ થાય તેના માટે આજે કોંગ્રેસ પક્ષ મેદાનમાં ઉતરી છે.
આ વિરોધ કાર્યક્રમમાં સિનિયર આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ભુજ શહેર તથા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાંખ-સેલના હોદ્દેદારો તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા