કોડાય પાસે કારમાં 45 હજારના દારૂ સાથે ભુજના ત્રણ ઝડપાયા

image

માંડવી તાલુકાના કોડાયની ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે કોડાય પોલીસે ભુજથી માંડવી તરફ આવતી સ્કોર્પિયો કારમાંથી રૂા. 45,600ના શરાબ સાથે ભુજના ત્રણ શખ્સ ઝડપાયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી આ શરાબ માંડવીના શખ્સે ભુજમાં માંડવી પહોંચાડવા આપ્યો હતો. આ અંગે કોડાય પોલીસે નોંધેલી ફરિયાદની વિગતો મુજબ ગઇકાલે રાતે કોડાય પોલીસને બાતમી મળી હતી કે, સ્કોર્પિયો ગાડી માં શરાબ છે જે ભુજથી માંડવી તરફ આવે છે. આથી પોલીસે કોડાય ચેકપોસ્ટ પાસે બાતમીવાળી ગાડી રોકાવી તપાસ કરતાં તેમાં અલગ-અલગ બ્રાન્ડની શરાબની 36 બોટલ જેની કિં. રૂા. 45,600 મળી આવી હતી. કારમાંથી આ કામના આરોપી ને ઝડપી લીધા હતા. આ શરાબ ભુજમાં આર.ટી.ઓ. સર્કલ પાસે આપી માંડવી લઇ જવા જણાવ્યું હતું. પોલીસે કાર, ત્રણ મોબાઇલ અને શરાબનો જથ્થો એમ કુલ રૂા. 11,15,600નો મુદ્દામાલ જપ્ત કરી ચારે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.