ગુજજુ પાઈલટે હુમલામાં લોહીલુહાણ થવા છતાં બહાદુરીપૂર્વક 180 યાત્રીના જીવ બચાવ્યા:હવામાં હાહાકાર

સંયુક્ત આરબ અમિરાતમાં દુબઈથી ઈઝરાયલ જઈ રહેલાં એક વિમાનને હાઈજેક કરીને તોડી પાડવાનો પ્રયાસ કરાતાં ભારે હડકંપ મચી ગયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી દુનિયાભરનું ધ્યાન ખેંચતાં ચોમેર ચકચાર મચાવી દેનારી આ ઘટનામાં ચાકુથી હુમલો કરનારા સહ પાઈલટ સામે ઘાયલ, લોહીલુહાણ હાલતમાં બહાદુરીભેર લડીને ગુજરાતી પાઈલટે વિમાનને હાઈજેક થઈને તૂટવા જેવાં ગંભીર નુકસાનથી બચાવ્યું હતું. હુમલો કરનારા સહપાઈલટ ઓમાનનો નાગરિક હતો. તેણે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાની કોશિશ કરી હતી. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાર્ટ્ઝે આ ઘટનાને `જેહાદી આતંકવાદી હુમલો’ લેખાવી હતી અને પાયલોટની સાથોસાથ વિમાનમાં સવાર ઈઝરાયેલી યાત્રીઓની બહાદુરીને બિરદાવી હતી. વિમાનમાં સવાર 180 યાત્રીના જીવ બચાવતી બહાદુરી લડત કરતાં ઘાયલ થયેલા ભારતીય પાયલોટ સ્મિતનું ઓપરેશન કરાયું હતું. ત્યાર બાદ તેની હાલત સ્થિર બતાવાઈ હતી. અહેવાલોમાં આ હુમલા સાથે વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ આતંકવાદી કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. લડત આપનારા ભારતીય પાઈલટનું નામ સ્મિત મચ્છર છે અને તે મુંબઈ રહે છે. પાઈલટ સ્મિતે સાથીઓ અને યાત્રીઓની મદદથી હુમલો કરનારા સહપાઈલટ પર કાબૂ મેળવ્યો હતો. લોહિયાળ સંઘર્ષ શરૂ થતાંની સાથે ફ્લાઈ દુબઈનું વિમાન માત્ર એક મિનિટમાં 17 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. ત્યારબાદ, તરત વિમાન હાઈજેકનો એલર્ટ મોકલાવ્યો હતો. કોકપિટમાં બે પાઈલટ વચ્ચે ઝઘડો શરૂ થયો, ત્યારે જ વિમાનમાંથી ઈમર્જન્સીનું સિગ્નલ મોકલાયું હતું. યાત્રીઓએ કોકપીટમાં ઘૂસીને હુમલાખોર ઓમાની સહપાઈલટને રોક્યો હતો. ઘાયલ થયેલા ભારતીય પાઈલટની હાલત ગંભીર હતી. વિમાનમાં સવાર યાત્રી અને ઈઝરાયલના તબીબે તરત સારવાર કરીને તેનો જીવ બચાવવામાં મદદ કરી હતી. હાઈજેક એલર્ટ મળ્યા બાદ ઈઝરાયેલી વાયુદળે યુદ્ધ વિમાન મોકલી, દેશનો સુરક્ષા એલર્ટ વધારી દીધો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા અધિકારીઓ સામે બેઠક કરી હતી. ઈઝરાયલ આ ઘટના બાદ થોડા સમય માટે પોતાની હવાઈ સીમા બંધ કરીને જરૂરી પગલાં લેવા માંડયાં હતાં. આ ઘટના બાદ વિમાનને સાઉદી અરબમાં ઉતારી લેવામાં આવ્યું હતું. જો કે, પાઈલટ, યાત્રીઓ અને ક્રૂ મેમ્બરોએ તેને કાબૂમાં લઈને વિમાનને સહીસલામત ઉતારી લીધું હતું. આ ઘટનામાં સંદિગ્ધ હુમલાખોર સહપાઈલટ ઓમાનનો હોવાનું કહેવામાં આવે છે. ઈઝરાયલના મીડિયાના અહેવાલો અનુસાર દુબઈથી તેલઅવીવ જઈ રહેલી ફ્લાઇટમાં થયેલા હુમલામાં સહપાઈલટે વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરી હતી. વિમાનમાં મોજૂદ અન્ય બે પાઈલટે વિમાનને સુરક્ષિત ઉતાર્યું હતું. વિમાન ઉતારનારા બન્ને પાઈલટ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડનાં હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવીને આકરી પ્રતિક્રિયા આપી છે. – પાઇલટ સ્મિત કચ્છી છે કે કેમ ? કચ્છભરમાં ચર્ચા જાગી : ભુજ, તા. 30 : દુબઇથી ઇઝરાયલ જતા વિમાનમાં હુમલાખોર પાઇલટ સામે બહાદુરીભેર લડીને 180 યાત્રીના જીવ બચાવનાર ભારતીય પાઇલટ સ્મિત મચ્છર કચ્છનો હોવાની ચર્ચા પણ જાગી હતી. કચ્છ-ગુજરાતમાં ગુર્જર ક્ષત્રિય સમુદાયના પરિવારો મોટી સંખ્યામાં રહેતા હોવાથી પાઇલટની મચ્છર અટકના કારણે કચ્છમાંથી લોકોએ સ્મિત કચ્છનો છે કે નહીં તે જાણવા ફોનથી પૂછાઓ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પર શોધવાની કવાયત આદરી હતી. – વિમાન બચાવી, ગુજ્જુએ પાણી બતાવ્યું : રાજકોટ, તા.30: દુબઈથી તેલઅવીવ જતાં વિમાનનાં અપહરણ અને તોડી પાડવાનાં પ્રયાસમાં 180 યાત્રી સહિત વિમાનને સલામત રીતે ઉતારનાર સાહસિક પાયલટ ગુજરાતી સ્મિત મચ્છર હતાં. અહેવાલ મુજબ, તેમના કો-પાઇલટે ફ્લાઇટ દરમિયાન વિમાનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો અને સ્મિત મચ્છર સાથે મારપીટ પણ કરી હતી. સ્મિત મચ્છર મૂળ ગુજરાતી હોવાનું કહેવામાં આવે છે. ફ્લાયદુબાઈની ફ્લાઇટ 1073ના કેપ્ટન હતા. આ ફ્લાઇટમાં આશરે 180 મુસાફર અને ક્રૂ સભ્યો સવાર હતા, ત્યારે કોકપિટની અંદર ઉગ્ર અથડામણ થઈ હતી. અહેવાલો અનુસાર, ઓમાની કો-પાઇલટે કથિત રીતે મચ્છર પર હુમલો કર્યો હતો. સ્મિત મચ્છર અગાઉ સ્પાઇસજેટમાં પાઇલટ તરીકે ફરજ બજાવતા હતા. જૂન 2022માં તેઓ ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબાઈ સાથે જોડાયા હતા.