પાનધ્રો PHC ની લાપરવાહી સામે લોકરોષ: તબીબી સ્ટાફની અનિયમિતતા અને IV સારવારના અભાવ મુદ્દે જાગૃત નાગરિક રઝાક રાયમાની ઉચ્ચસ્તરીય રજૂઆત

image

કચ્છના પાનધ્રો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ, શ્રમિક અને જરૂરિયાતમંદ દર્દીઓના આરોગ્ય સાથે થઈ રહેલા ગંભીર ચેડાં સામે હવે સ્થાનિક સ્તરે રોષ ભભૂકી ઉઠ્યો છે. પાનધ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે તબીબી સ્ટાફની ભારે અનિયમિતતા, ફરજ પ્રત્યેની ઉદાસીનતા અને દર્દીઓને કટોકટીના સમયે જરૂરી એવી આઇ.વી. (IV/ડ્રિપ) સારવાર સહિતની પાયાની આરોગ્ય સુવિધાઓ ન મળવાને કારણે દર્દીઓની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. આ ગંભીર જનહિતના પ્રશ્ને પાનધ્રોના જાગૃત નાગરિક રઝાક રાયમા દ્વારા સંબંધિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ અને વહીવટી તંત્ર સમક્ષ કડક પગલાં લેવા માટે લેખિત તથા સખત રજૂઆત કરવામાં આવી છે.
​ગ્રાઉન્ડ રિયાલિટી અને દર્દીઓની હાલાકી:
ગ્રામ્ય પંથકના સામાન્ય લોકો માટે સરકારી આરોગ્ય કેન્દ્રો જ મુખ્ય આશાસ્‍થાન હોય છે, પરંતુ પાનધ્રો PHC ની હાલની સ્થિતિ અત્યંત દયનીય બની ચૂકી છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, PHC ખાતે ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ નિયમિત ઉપલબ્ધ રહેતો નથી. જેને લઈને નાના-મોટા રોગ કે સારવાર અર્થે આવતા દર્દીઓને વારંવાર દવા અને સારવાર વગર જ હેરાન થઈને પરત ફરવું પડે છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે અચાનક તબિયત બગડે કે ઇમરજન્સીમાં દર્દીને IV ડ્રિપ કે તાત્કાલિક ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય, ત્યારે હોસ્પિટલમાં ફરજ પર યોગ્ય સ્ટાફ કે સુવિધાઓ ન હોવાના કારણે ગરીબ દર્દીઓએ નાછૂટકે દૂરના સ્થળે ખાનગી હોસ્પિટલોમાં ઊંચા ખર્ચે જવાની ફરજ પડે છે.
​જાગૃત નાગરિક રઝાક રાયમા દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓ:
​સ્ટાફની અનિયમિતતા પર અંકુશ: પાનધ્રો PHC ખાતે તમામ તબીબી, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની સમયસર અને નિયમિત હાજરી અનિવાર્યપણે સુનિશ્ચિત કરવામાં આવે.
​નિયમિત મોનિટરિંગ: હોસ્પિટલના સ્ટાફની હાજરી અને કામગીરી પર ઉચ્ચ કક્ષાએથી સતત નિરીક્ષણ અને અચાનક તપાસ હાથ ધરવામાં આવે.
​આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવો: દર્દીઓને સમયસર IV/ડ્રિપ સારવાર મળી રહે તે માટે જરૂરી સ્ટાફ, મેડિકલ સાધનો અને પૂરતા પ્રમાણમાં જીવનરક્ષક દવાઓનો જથ્થો ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવે.
​સ્ટોક અને સાધનોની ચકાસણી: PHC માં ઉપલબ્ધ દવાઓના સ્ટોક તેમજ આધુનિક મેડિકલ સાધનોની સ્થિતિની સઘન તપાસ કરવામાં આવે.
​બેદરકાર કર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી: આજદિન સુધી દર્દીઓને સમયસર સારવાર ન મળવાની જેટલી પણ ફરિયાદો કે બેદરકારી સામે આવી છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરી કસૂરવાર કે ફરજમાં ગેરહાજર રહેતા જવાબદાર કર્મચારીઓ સામે નિયમોનુસાર કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે.
​પારદર્શક વ્યવસ્થા: PHC ખાતે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, સમયપત્રક અને ફરજ પર હાજર રહેતા સ્ટાફની વિગતો દર્દીઓની જાણાર્થે સાર્વજનિક અને દૃશ્યમાન જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવે.
​આરોગ્ય જેવી મૂળભૂત અને અત્યંત સંવેદનશીલ બાબતમાં સ્થાનિક તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી સાંખી લેવાય તેમ નથી. જો આ મામલે વહેલી તકે યોગ્ય સ્થળ તપાસ કરી સત્વરે પરિણામલક્ષી પગલાં નહીં ભરવામાં આવે, તો સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીખ ઉચ્ચારવામાં આવી છે. તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી થાય તેવી પાનધ્રો પંથકમાં પ્રબળ લોક માંગ ઉઠી છે. રિપોર્ટર સૈયદ રજાક શાહ ટોડીયા કચ્છ