અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ‘સેવા મારો સંકલ્પ’ અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

SDH ANJAR PRESSNOTE HON MOS EDUCATION MINISTER  (2)

‘સેવા મારો સંકલ્પ’ અભિયાન અંતર્ગત અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન ખાંડેકા તેમજ શહેરના અગ્રણી પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે અંજાર તાલુકાના દરેક ટીબી દર્દીને સમયસર અને નિયમિત સારવાર મળવાની સાથે સેવા, સન્માન અને પૂરતો સહયોગ ઉપલબ્ધ થવો જોઈએ. તેમણે દરેક દર્દીને નિયમિત પોષણ કીટ મળે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. ટીબી મુક્ત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે દર્દીઓના પોષણ અને સારવારમાં સમાજના તમામ વર્ગોના સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ કેમ્પ દરમિયાન નાગરિકો માટે વિવિધ રોગોની આરોગ્ય તપાસ, જરૂરી સારવાર તેમજ નિષ્ણાત તબીબો દ્વારા તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથોસાથ અંજાર તાલુકામાં ક્ષય રોગ નાબૂદી અભિયાનમાં પ્રશંસનીય યોગદાન આપનારા નિ-ક્ષય મિત્રોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.    

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અંજારીઆ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંજારના અધિક્ષક ડૉ. રોબિનસિંહ રાઠોડ, TMPHS માવજીભાઈ મેરિયા, STS અલ્પેશભાઈ, STLS દિગ્વિજયસિંહ, MTS સહિત SDH અંજારના આરોગ્ય કર્મચારીઓએ કામગીરી સંભાળી હતી. ટીબીના દર્દીઓની વહેલી ઓળખ, નિયમિત સારવાર, પોષણ સહાય અને જનભાગીદારી દ્વારા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા આરોગ્ય વિભાગ દ્વારા સતત સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.