સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ભુજ નગરપાલિકા દ્વારા ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ સૂત્ર સાથે યોજાયું સફાઈ અભિયાન

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૦૧ ઓક્ટોબરના રોજ સવારે ૮:૦૦ કલાકે ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ના સૂત્રને સાકાર કરવાના ઉદ્દેશ સાથે ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સફાઈ અભિયાનમાં કચ્છ-મોરબી વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, નગરપાલિકા પ્રમુખશ્રી શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેનશ્રી કમલભાઈ ગઢવી તથા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ટ્વિંકલબેન પટેલ, ભુજ શહેર મામલતદારશ્રી તેજસ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું અને કાર્યક્રમમાં સહભાગીતા નોંધાવી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તથા શહેરના નાગરિકો ઉપરાંત ફાયર વિભાગ, હોમગાર્ડ, જિલ્લા ટ્રાફિક પોલીસ, મામલતદાર કચેરી, પીજીવીસીએલ, આઈટીઆઈ, મહિલા અને બાળવિકાસ વિભાગ સહિતની વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે જ વિવિધ શાળાઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓએ પણ શ્રમદાનમાં ભાગ લીધો હતો.
અભિયાન દરમિયાન શહેરના આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ સુધીના માર્ગની સફાઈ કરવામાં આવી હતી. જેમાં માર્ગની બંને બાજુએ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાનું કટિંગ તેમજ સી એન્ડ ડી વેસ્ટ (કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ) દૂર કરીને સમગ્ર માર્ગને સ્વચ્છ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નગરપાલિકાના ૩ સફાઈ કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે પ્રત્યેકને રૂપિયા ૧૦,૦૦૦ના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સામૂહિક સફાઈ પ્રવૃત્તિ થકી ‘સ્વચ્છ ભુજ–સુંદર ભુજ’ના સંકલ્પને વેગ આપવામાં આવ્યો હતો.