નખત્રાણા ના ખેતરો રડ્યા,મગફળી (ભૂતડી)ની કપાત શરૂ થઈ: નખત્રાણાની ધરતી પર મગફળીની નવલકથા ખતમ થતા પહેલા જ ખતમ
વરસાદે કર્યો દગો : નખત્રાણામાં 50% પાક બળી ગયો, ખેડૂતના માથે દેવાનો પહાડ
કચ્છની બારડોલી ગણાતા નખત્રાણા તાલુકાની હરિયાળી ધરતી આ વર્ષે સ્મશાન બની ગઈ છે. આકાશ વરસ્યું નહીં અને ધરતીના ધણીધોરી ખેડૂતનું કાળજું ચિરાઈ ગયું છે.
છેવાડા-લક્ષ્મીપર (નેત્રા) ની વાડીમાં મજૂરો ભૂતડી ઉપાડે છે, પણ હાથમાં મગફળી નહીં, ફક્ત સૂકા મૂળિયાં આવે છે. તસવીર પોતે એક નવલકથા છે – પરસેવાની, આંસુની અને બરબાદીની.
માત્ર નખત્રાણા નહીં, પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા ત્રણેય તાલુકામાં ચોમાસાના બીજા વરસાદે પીઠ બતાવી દીધી. રામમોલ (કપિત) ખેતરો વાવ્યા વગરના પડ્યા છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે 50% એટલે કે અડધી પેદાશ જ થવાની ધારણા છે.
પ્રસિદ્ધ વેપારી અને જૂની પેઢીના માલિક પંકજભાઈ ઠક્કર અને વિદેશ કોમોડિટીના સંચાલક બંટીભાઈ ઠક્કરે ‘મિડીયા’ ને કહ્યું કે, ચાલુ ચોમાસામાં પ્રથમ વરસાદ પછી પિયત વાડી ઉપર માંડ અડધી થશે.
એક તરફ પાક નથી, બીજી તરફ બજારમાં આગ લાગી છે. ઓછી પેદાશને કારણે સીંગદાણાના ભાવ 40 કિલોએ 3700 થી 3900 રૂપિયા પહોંચ્યા છે. મગફળીના સૂકા ચારા (ફૂટી) ની પણ અછત છે, તેથી તેના ભાવ પણ વધ્યા છે.
લક્ષ્મીપરના ખેડૂત વિસરામભાઈ પાયરે જણાવ્યું કે, “વરસાદ ઓછો હોવાથી અડધી પેદાશ થશે, પણ ફૂટીના ભાવ સારા મળશે એ જ એક આશા છે.”
આજે તાલુકામાં રોજની 3000 થી 4000 ગુણીની આવક માર્કેટમાં થઈ રહી છે, જી-24 જાતની મગફળીનો ભાવ 3000 થી 3750 છે.
ખેડૂત વાવે છે આશા, લણે છે નિરાશા. સરકાર મદદે આવે તો જ નખત્રાણાનો ખેડૂત બચશે, નહીંતર આ નવલકથાનો અંત બહુ દર્દનાક હશે.