કોઠારાનાં ભેદી ગામે પુન: થયેલું દબાણ દૂર

અબડાસા તાલુકાની કોઠારા જૂથ ગ્રામ પંચાયત હસ્તકનાં ભેદી ગામના સીમાડામાં આવેલી સરકારી જમીન જે અગાઉ ખુલ્લી કરાવાયેલી આ ગૌચર જમીન પર સ્થાનિક લોકો દ્વારા ફરીથી ખેડ કરીને વાવેતર કરી દેવાતાં, વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતે ચુસ્ત પોલીસ કાફલા સાથે સંયુક્ત રીતે આશરે 200થી 300 એકર જમીન પર ટ્રેક્ટર ફેરવી દબાણમુક્ત કરાવી હતી.સૂત્રો પરથી મળતી માહિતી વિગતો મુજબ, કોઠારા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતાં ભેદી ગામના સીમાડાની ગૌચર જમીન પર અગાઉ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, ગૌચર ખાલી કરાયા બાદ કેટલાક લોકોએ ફરીથી આ જમીન પર ગેરકાયદે કબજો જમાવી કપાસ, મગ, જુવાર સહિતના વિવિધ મોસમી પાકોનું વાવેતર કરી નાખ્યું હતું. ગૌચરની કિંમતી જમીન પર ફરીથી દબાણ ખડકાઈ જતાં પંચાયત અને તંત્ર સમક્ષ આ જમીન પુન: ખાલી કરાવવા લોકમાંગ ઊઠી હતી, જેના પગલે પંચાયત દ્વારા, ખેતરોમાં ઊભા પાક પર ટ્રેક્ટરો ફેરવી દઈ અંદાજે 200થી 300 એકર જેટલો ગૌચર વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સંદર્ભે કોઠારા સરપંચના પ્રતિનિધિ એ જણાવ્યું હતું કે, પંચાયત દ્વારા અગાઉ જે ગૌચર જમીન પરથી દબાણો હટાવવામાં આવ્યાં હતાં, તે જ જમીન પર ભેદી ગામે દબાણકારોએ ફરીથી ગેરકાયદે ખેડાણ કરીને વિવિધ પાકોનું વાવેતર કરી દીધું હતું. ગૌચરની જાળવણીના ભાગરૂપે 200થી 300 એકર જેટલી જમીન ફરીથી ખાલી કરાવી છે. બીજી તરફ, આ દબાણની કાર્યવાહી સામે સ્થાનિક સ્તરે વિરોધનો સૂર પણ ઊઠયો છે. ભેદી ગામના આગેવાન આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર કોઠારા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી તમામ ગૌચર જમીનો પરથી સમાન રીતે દબાણ હટાવવું જોઈએ. વહીવટી તંત્ર દ્વારા કિન્નાખોરી રાખીને માત્ર ભેદી ગામને જ નિશાન બનાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પંચાયત વિસ્તારની અન્ય ગૌચર જમીનો પર આજે પણ અનેક મોટા માથાંઓએ દબાણ કરેલાં છે અને ખુદ સરપંચ પ્રતિનિધિનું પણ ગૌચરમાં દબાણ હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તાલુકા પંચાયત તરફથી કોઠારા તલાટી બી. કે. સોઢા તેમજ કોઠારા ગ્રામ પંચાયતની ટીમ ઉપસ્થિત રહી હતી. જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઠારા પોલીસ મથકના પીએસઆઈ પી. કે. રાડા, મહેશભાઈ ભરવાડ સહિતનો સ્ટાફ તથા નલિયા, જખૌ, વાયોર અને કોઠારા મરિન/જખૌ મરિન પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો.