રાજ્યપાલશ્રીએ મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે અનુસૂચિત જાતિ પરિવારના ઘરે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો

WhatsApp Image 2026-10-04 at 9.07.14 PM

કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામના અનુસૂચિત જાતિ પરિવારના આશાભાઇ મહેશ્વરીના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

રાજ્યપાલશ્રીએ સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પુછ્યા હતા. પરિવારના મોભી તથા તેમના પરિવારના સભ્યો સાથે સાહજિક વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યોના રોજગાર અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી.

કચ્છના ગામડાની પરંપરા મુજબ રાજ્યપાલશ્રીએ સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ આશાભાઇના પરિવારને લોકભવન ખાતે ભોજન માટે આમંત્રણ પણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આશાભાઇ અને તેનો પરિવાર મજુરી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલશ્રી તેમના ઘરે પધાર્યા અને પરિવાર સાથે ભોજન કર્યું તે બદલ પરિવારના સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો હતો.