ભારત વર્ષમાં પ્રથમવાર ગંગાપર ખાતે યોજાયું બહેનો માટેનું વિશેષ પંચગવ્ય સ્નાન: ૩ થી ૬૭ વર્ષની ૪૫ મહિલાઓએ લીધો ભાગ

ગૌ સેવા ગતિવિધિ (માંડવી તાલુકો) તથા શ્રી ગંગાપર સેવા સાર્વજનિક ટ્રસ્ટની પ્રેરણાથી શ્રી ગંગાપર પાટીદાર મહિલા મંડળ દ્વારા ગંગાપર ગૌશાળા ખાતે ભારત વર્ષમાં પ્રથમવાર મહિલાઓ માટે એક વિશેષ પંચગવ્ય સ્નાન કાર્યક્રમનું સફળ આયોજન રવિવાર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત “ૐ સુરભિ દેવ્યૈ નમઃ” ના દિવ્ય મંત્રોચ્ચાર સાથે થઈ હતી. આ પ્રસંગે સેવિકા સમિતિની બહેનો દ્વારા પંચગવ્ય સ્નાનના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક મહત્વ વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અનૌખા આયોજનમાં ૩ વર્ષની બાળકીઓથી લઈને ૬૭ વર્ષના વડીલ મહિલાઓ સહિત માંડવી, ગઢશીશા, ભુજ, ગંગાપર તેમજ સેવિકા સમિતિની મળીને કુલ ૪૫ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પંચગવ્ય સ્નાનનો લાભ લીધો હતો.
પંચગવ્ય સ્નાનનું મહત્વ અને ફાયદા:
ગાયનું છાણ (ગોબર), ગૌમૂત્ર, દૂધ, દહીં અને ઘીના પવિત્ર મિશ્રણથી બનતા પંચગવ્યથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે, શરીર ડિટોક્સ થઈને તાજગી પ્રાપ્ત થાય છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ માનસિક શાંતિ અને આત્મિક પવિત્રતાનો અહેસાસ થાય છે.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને વ્યવસ્થા ગંગાપર પાટીદાર મહિલા મંડળની બહેનો તથા ગંગાપરના ઉત્સાહી યુવા ભાઈઓ દ્વારા ખૂબ જ સુચારૂ રૂપે કરવામાં આવી હતી.