રાપર શહેરના ગેલીવાડી વિસ્તારમાં વારંવાર ઉભરાતી ગટરોનું  કાયમી ધોરણે નિરાકરણ કરવા રાપર પૂર્વ ધારાસભ્યશ્રીમતિ  સંતોકબેન ભચુભાઈ આરેઠીયા તથા રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ અને વોર્ડ નંબર ૩ના કાઉન્સીલર પુંજાભાઈ ચૌધરી અને ખીમીબેન ઠાકોરે એ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.

WhatsApp Image 2026-10-06 at 2.54.40 PM

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા અને રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડ અને વોર્ડ નંબર ૩ના કાઉન્સીલર પુંજાભાઈ ચૌધરી અને ખીમીબેન ઠાકોરે કમિશ્નરશ્રી તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી તુષારભાઈ ચૌધરી સહિત મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તથા નાયબ સચિવશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ  રાપર શહેર મધ્યે આવેલ ગેલીવાડી વિસ્તારના પ્રવેશદ્વાર પાસે પાધરદેવકી મંદિરવાળી શેરીમાં આવેલ બે ગટરની ચેમ્બરોમાંથી છેલ્લા ૧ વર્ષ થી સતત ગટરનું ગંદુ અને દુષિત પાણી ઉભરાઈ રહ્યું છે.વારંવાર રાપર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવેલ નથી.ગટરના દુષિત પાણી રસ્તા ઉપર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે સ્થાનિક રહીશો, રાહદારીઓ, મહિલાઓ, નાના બાળકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના ગંદા પાણીના સતત ભરાવાના કારણે જાહેર આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે તથા રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

            વધુમાં,આ ગટરનું દુષિત પાણી ગેલીવાડી વિસ્તારના હનુમાન શેરી સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે.આટલા સમયથી જાહેર રસ્તા ઉપર ગટરનું પાણી ઉભરાતું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવે છે.

                તેમજ થોડા સમય બાદ પરિસ્થિતિ ફરી યથાવત થઈ જાય છે.આવી ઢીલાશભરી કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે અગાઉ પણ તા.૦૫/૦૯/૨૦૨૫ ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવેલ છે તથા સ્થાનિક કક્ષાએ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી.આ પ્રકારની ગંભીર જાહેર સમસ્યા અંગે નગરપાલિકા તંત્ર દ્વારા સમયસર અને અસરકારક કામગીરી ન કરવી તે અત્યંત ગંભીર બાબત છે.આ રજૂઆત સાથે ઉભરાતી ગટર તથા રસ્તા ઉપર ભરાયેલા દુષિત પાણીના ફોટોગ્રાફ અને વિડિયો પુરાવા તરીકે સામેલ કરવામાં આવેલ છે, જેથી સ્થળની વાસ્તવિક પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે.

       આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ રાપર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરાવી, માત્ર કામચલાઉ સફાઈ કરાવવાને બદલે ગટરની ચેમ્બરો, ડ્રેનેજ લાઈન તથા ગટર વ્યવસ્થાની ટેકનિકલ તપાસ કરાવી ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવે.સાથે સાથે છેલ્લા ઘણા સમયથી થી ફરિયાદો અને રજૂઆતો છતાં કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તેની પણ જવાબદારી નક્કી કરી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારીનું પુનરાવર્તન ન થાય.જાહેર આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલ આ ગંભીર સમસ્યામાં હવે વધુ વિલંબ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી.જો તાત્કાલિક અસરથી યોગ્ય અને કાયમી કાર્યવાહી કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી હતી.