ગાંધી વંદના અને નશાબંધી ઉદ્ઘાટન કાર્યક્રમ

નશાબંધી અને આબકારી વિભાગ ભુજ કચ્છ અને શ્રી એમ. એસ. વી હાઈસ્કુલ માધાપરના સંયુક્ત ઉપક્રમે સેવા સંકલ્પ અભિયાન અને નશાબંધી સપ્તાહ ૨૦૨૬ અંતર્ગત માધાપર ગાંધી સર્કલ ખાતે ગાંધી જયંતી નિમિત્તે ગાંધી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી પ્રતિમા ખાતે પુષ્પહાર કરી વિવિધ વ્યસનો વિષયક જાગૃતિ કેળવવાના હેતુસર શ્રી એમ.એસ.વી. હાઈસ્કૂલ સુધી વ્યસન મુક્તિના સંદેશ સાથે એક વિદ્યાર્થી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીપ્રતિમા માધાપર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં માધાપર સરપંચશ્રી વાલજીભાઈ ડાંગર, તાલુકા પંચાયત સદસ્યશ્રી વિનોદભાઈ પિંડોરિયા, આગેવાનશ્રીઓ દેવજીભાઈ વરચંદ, હિતેશભાઈ ખંડોર, શ્રી પારૂલબેન કારા, દિનેશભાઈ ઠક્કર, શ્રીરમેશભાઈ આહિર, શ્રી અશોક બરાડિયા, શ્રી ભરતભાઈ રાઠોડ, શ્રી વિજયભાઈ રાજપૂત, શ્રી હંસાબેન હરસીયાણી, પ્રવિણભાઇ ખોખાણી, દિપકભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહી ગાંધીજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓની જાહેર રેલીને ફ્લેગ માર્ચ આપી હતી. NCC અને NSS ના વિધાર્થીઓની આ રેલી શ્રી એમ. એસ. વી. હાઈસ્કૂલ ખાતે પહોંચી સભા સ્વરૂપમાં ફેરવાઇ હતી. નશાબંધી સપ્તાહન ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. નશામુક્ત ભારત અભિયાન અન્વયે વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા વિધાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત શ્રી એ.એસ.ગોહિલ અને શ્રી કામિની ગોરસિયા, સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી ભુજ, એસ.ઓ.જી.ના મહિલા સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એલ ચૌધરી દ્વારા નશામુક્ત ભારત વિષય અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના સદસ્યશ્રી વિનોદભાઈ પિંડોરિયાએ પોતાના શાળા જીવનના અનુભવો વાગોળતા વ્યસન મુક્ત તંદુરસ્ત જીવન શૈલી વિશે પોતાની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપતા સાંપ્રત સમયમાં વિશ્વ ફલક પર ભારતની ગરિમાની સમજૂતી આપી હતી. વિદ્યાર્થીઓને રેલીના આ કાર્યક્રમની સફળતા પાછળ જોડાયેલ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રેમપ્રકાશ ગુપ્તા, શ્રી કુસુમબેન ત્રિવેદી, ડો. આર ડી ઝાલા, ડૉ ડી. એલ. ડાકી તેમજ તમામ કેડેટ્સ અને સ્વયં સેવકોનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાશ્રી તુષાર ધામેચા, અધિક્ષકશ્રી નશાબંધી અને આબકારી ભુજ, માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટરશ્રી એસ.પી મારૂ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં શાળાના આચાર્યશ્રી મહેશભાઈ ઝાલાનો વિશેષ સહયોગ રહ્યો હતો.