કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના જિયાપર ગામે “ટકાઉ ખેતી માટે પ્રાકૃતિક કૃષિ, જમીન-પોષણ અને સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન” અંગે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો…

1

અત્રેના વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ.યુ., ભચાઉ, હસ્તક ચાલતી “ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી” યોજના અંતર્ગત નખત્રાણા તાલુકાના જીયાપર ગામ ખાતે વેલસ્પન ફાઉન્ડેશનના સહયોગથી “ટકાઉ ખેતી માટે પ્રાકૃતિક કૃષિ, જમીન-પોષણ અને સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન” વિષય પર તા. 03 ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમની શરૂઆત શ્રી રાજ પરવાડીયા, સિનિયર રિસર્ચ ફેલોના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે ઉપસ્થિત ખેડૂતોને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના કાર્યક્ષેત્ર, ઉદ્દેશ્યો તેમજ સંશોધન, વિસ્તરણ, શિક્ષણ અને કેન્દ્ર દ્વારા થતી ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.

ત્યારબાદ ડૉ. આર. એમ. જાડેજા, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક કૃષિના આધુનિક અને વિકસતા ખ્યાલ અંગે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો, મુખ્ય ઘટકો તથા ટકાઉ પાક ઉત્પાદન માટેની વ્યવહારુ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ફાર્મ લેવલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓનો વ્યવહારુ અમલ કેવી રીતે કરી શકાય તે અંગે ખેડૂતોને માર્ગદર્શન પુરું પાડયું હતું.

આ ઉપરાંત ડૉ. એન. આર. બુંબડીયા, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા ક્ષારીય જમીનમાં પોષણ વ્યવસ્થાપન અંગે તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે યોગ્ય રીતે જમીન તથા સિંચાઈના પાણીના નમૂના લેવાની પદ્ધતિ. તેમજ જમીનના મહત્વપૂર્ણ પરિમાણો જેવા કે પીએચ (pH), વિદ્યુત વાહકતા (EC) અને સેંદ્રિય કાર્બન (OC) નું અર્થઘટન સમજાવ્યું હતું. સાથે સાથે યોગ્ય જૈવિક સુધારકોના ઉપયોગ અને સંતુલિત પોષણ વ્યવસ્થાપન દ્વારા જમીનની તંદુરસ્તી તથા ફળદ્રુપતા સુધારવા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ ડૉ. ભવ્યરાજસિંહ બી. વાઘેલા, મદદનીશ પ્રાધ્યાપક દ્વારા એરંડા, કપાસ અને દાડમ પાકમાં સંકલિત જીવાત અને રોગ વ્યવસ્થાપન અંગે તકનીકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મુખ્ય જીવાતો અને રોગોની ઓળખ, નિયમિત નિરીક્ષણ તથા સમયસર અને જરૂરિયાત આધારિત નિયંત્રણ પગલાંના મહત્વ અંગે સમજ આપી હતી. ખાસ કરીને આર્થિક નુકસાનની સીમા (Economic Threshold Level) અને આર્થિક ઈજા સ્તર (Economic Injury Level) જેવા મહત્વપૂર્ણ તકનીકી ખ્યાલો અંગે માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત, જંતુનાશકોનો સંતુલિત ઉપયોગ, ઝેરીપણાના લેબલ, ભલામણ કરેલ માત્રા, દવાના ઉપયોગ દરમિયાન રાખવાની સાવચેતીઓ તથા ખેતરમાં પાક સંરક્ષણ માટેના ઇનપુટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આખરે શ્રી મનીષ ધાંધલા દ્વારા વેલસ્પન ફાઉન્ડેશનના મિશન, ઉદ્દેશ્યો, મુખ્ય પ્રવૃત્તિઓ તેમજ ટકાઉ કૃષિ વિકાસ અને ખેડૂતોના આર્થિક વિકાસ માટે હાથ ધરવામાં આવતી વિવિધ પહેલો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ તાલીમ કાર્યક્રમમાં આશરે ૧૭૫-૧૮૦ ખેડૂતોએ સક્રિયપણે ભાગ લીધો હતો અને કૃષિ નિષ્ણાતો સાથે પોતાના ખેતરલક્ષી પ્રશ્નો તથા તેના સંભવિત ઉકેલો અંગે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ ખેડૂતોમાં વૈજ્ઞાનિક, ટકાઉ અને આબોહવા પરિવર્તન સામે અનુકૂલનક્ષમ પાક ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવા અંગે અસરકારક માધ્યમ સાબિત થયો હતો.