માતાના મઢ જતા પદયાત્રીને કાળ ભેટ્યો! સામખિયાળી-મોરબી હાઇવે પર બલેનો ચાલકે લીધો જીવ, ટક્કર મારીને ફરાર!

મોરબી-સામખિયાળી હાઇવે પર વાંઢિયા પાસે આવેલી કરણી હોટેલ નજીક સોમવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

વિગત મુજબ, વાંકાનેરના ગારિયા ગામના ભુપતભાઈ ધરમશી માલકીયા માતાના મઢના દર્શને પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે GJ-36 4534 નંબરની બલેનો કાર ના બેફામ ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ગંભીર હતી કે માથાના પાછળના ભાગે ઈજા થતાં ભુપતભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા ભૂલીને કાર સાથે સ્થળ પરથી નાસી ગયો હતો.

બનાવ અંગે સામખિયાળી પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.