મોટી છેરના અગ્રણી પર હુમલાનો પ્રયાસ:લખપત તા.માં ખંડણીખોરો સક્રિય 

છેવાડાના લખપત તાલુકામાં પણ ખંડણીખોરોની ટોળકી સક્રિય થતાં ઉદ્યોગ વેપારથી સંકળાયેલી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં ભયનો માહોલ ફેલાયો છે.સૂત્રો પરથી મળતી માહિતી મોટી છેર ખાતે રહેતા કોન્ટ્રાક્ટરનું કામ કરતા લખપતના ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખએ બે દિવસ પહેલાં દયાપર પોલીસ સ્ટેશનમાં ખંડણી બાબતે એફ.આઈ.આર. નોંધાવવા અરજી આપી હતી અને અરજીમાં વોટ્સએપ પર પૈસાની માગણી, ખંડણી અર્થે આવતા મેસેજ, છરીનો ફોટો જેવા આધારો બતાવ્યા હતા. પોલીસ આ બાબતે તપાસ કરે ન કરે ત્યાં તો રાત્રે આ આરોપી શખ્સએ હથિયાર સાથે અગ્રણીના ઘર પર જઈ હુમલો કર્યો હતો. આજુબાજુના પાડોશી જાગી જતાં હુમલાખોર નાસ્યો હતો, પરંતુ દૂર ખેતરમાં પકડાઈ જતાં પોલીસને સુપરત કર્યો હોવાના હેવાલ છે. પકડવા જતાં શખ્સોને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. પી.એસ.આઈ. શ્રી પટેલનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, કુણિયાણીના ગુનેગાર સામે ફરિયાદ નોંધી પોલીસ સ્ટેશને લઈ અવાયો છે. તપાસ ચાલુ છે. છેવાડાના વિસ્તારમાં અમુક ગામોમાં આવાં તત્ત્વો સક્રિય થતાં અગાઉના બનાવોની પણ તપાસ થવી જરૂરી છે.