વીજ કચેરીમાં ડે. ઈજનેર પર હુમલો : સાત શખ્સ સામે ફરિયાદ:અંજાર

અંજાર વીજ કચેરીમાં ડેપ્યૂટી ઈજનેર પર સરકારી કામગીરી દરમ્યાન સાત શખ્સોએ હુમલો કરી ગાળાગાળી કરી, મારી નાખવાની ધમકી આપતાં બનાવ અંગે અંજાર પોલીસ મથકે આ ઈસમો સામે ગુનો નોંધાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી અંજાર પી.જી.વી.સી.એલ. કચેરીમાં ફરિયાદી છેલ્લા એકાદ માસથી ડેપ્યૂટી ઈજનેર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તા.5/10ના ઉપરી અધિકારીની સૂચનાથી તેમણે પોતાની નીચે કામ કરતા કર્મચારીઓની એક બેઠક યોજી હતી અને નોકરી બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી. બાદ તા.6/10ના સવારે કચેરીના કર્મચારીનો ફરિયાદીના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. જેમાં પતિ થાય છે અને ઓફિસે મળવા માગે છે તેવું લખાણ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બાદમાં ફરિયાદી ગઈકાલે બપોરે બિલિંગ સેકશનમાં હાજર હતા ત્યારે લાલ ઘમછાવાળો શખ્સ ત્યાં આવી ફરિયાદીનું કોલર પકડી હું છું. ઓફિસની બહાર ચાલ તેમ કહી ખેંચવા લાગ્યો હતો. બાદ એક સફેદ ટી-શર્ટ તથા લાલ, સફેદ રંગના શર્ટવાળો શખ્સ આવી  ગાળો બોલવા લાગ્યો હતો. સફેદ ચેક્સ શર્ટવાળા શખ્સે હું જ પતિ છું અને તું આટલો પાવર કરશ તેમ કહી ડાબી આંખમાં મુક્કો માર્યો હતો ત્યારે ચાર શખ્સ, બાદ બીજા ત્રણ શખ્સ ત્યાં ધસી આવ્યા હતા. આ સાત શખ્સોએ તેમને ઘેરી વળી માર માર્યો હતો અને મારી પત્નીને મન પડશે તેમ નોકરી કરશે તારે કોઈ સલાહ-સૂચના આપવાની નહીં. આપીશ તો જાનથી પતાવી નાખીશ તેવી ધમકી આપી હતી.  આ ડખાના પગલે અન્ય કર્મીઓ આવી જતાં ફરિયાદીને છોડાવ્યો હતો. ઘવાયેલા ઈજનેરને સારવાર અર્થે લઈ જવાયા હતા. આ બનાવના સીસીટીવી ફૂટેજ તથા સહકર્મીઓએ ઉતારેલ વીડિયો રજૂ કરવામાં આવશે તેવું ફરિયાદમાં જણાવ્યું હતું. વીજ કચેરીમાં સરકારી કર્મી ઉપર હુમલો, ફરજમાં રૂકાવટ અંગેના આ બનાવ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.