લોન લેવી મોંઘી હવે થશે: ચાર વર્ષે વ્યાજદર વધ્યો

image

 મોંઘવારી હવે ધીમે ધીમે માથાંનો દુ:ખાવો થતો જાય છે, તેવી ચર્ચા સામાન્ય માણસના મોઢે સતત સાંભળવા મળે છે, ત્યારે તહેવારી મોસમ સાવ નજીક છે, તેવા જ સમયે આ માથાંના દુ:ખાવામાં વધારો થયો છે.  વૈશ્વિક ભૂ-રાજકીય અનિશ્ચિતતાની અસર હેઠળ ક્રૂડતેલની કિંમતોમાં ઉછાળો, આર્થિક અસ્થિરતા તેમજ રૂપિયાને ઘસારા વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કએ બુધવારે લગભગ ચાર વર્ષ બાદ વ્યાજદર 0.25 ટકા વધારીને 5.25 ટકામાંથી 5.50 ટકા કરી નાખ્યો છે. મોંઘવારી વધી ગઈ છે અને હજુ વધવાની છે. બેન્કો પાસેથી લોન લેવી તેમજ ચૂકવવી મોંઘી બનશે, તેવું રેપોદર વધારો જાહેર કરતાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. વધતી મોંઘવારી, ક્રૂડ તેલની ઊંચી કિંમતો અને રૂપિયા પર વધતાં દબાણ વચ્ચે કેન્દ્રીય બેન્કે આર્થિક નીતિ કડક કરવાનો ફેંસલો લીધો છે. રિઝર્વ બેન્કે મોંઘવારીનું અનુમાન પણ વધારી દીધું છે. હવે 2026-27માં મોંઘવારી દર 5.2 ટકા રહેવાનું અનુમાન છે; જે પહેલાં પાંચ ટકા હતું. બીજી બાજુ, અર્થવ્યવસ્થા માટે સારા સમાચારમાં રિઝર્વ બેન્કે 2026-27 માટે વિકાસદરનું અનુમાન 6.7 ટકાથી વધારીને 7.1 ટકા કરી નાખ્યું છે. આર્થિક નીતિ સમિતિની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે નવા ફેંસલાની જાણકારી આપી હતી. હાલતુરત વ્યાજદર ઘટવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. આરબીઆઈ આવનારા સમયમાં વ્યાજદરને સ્થિર રાખી શકે છે અથવા જરૂર પડયે વધુ વધારી શકે છે. જાણકારોના મતે 0.25 ટકાનો વધારો તો ધારણા  મુજબનો જ હતો પરંતુ અસલી હકીકત નીતિમાં થયેલા બદલાવની છે, જેના પરથી સ્પષ્ટ જણાય છે કે, રિઝર્વ બેન્ક માટે અત્યારે સૌથી પહેલું કામ મોંઘવારીને કાબૂમાં લેવાનું છે. રિઝર્વ બેન્ક બેન્કોને મોંઘી લોન આપશે તો બેન્કો ગ્રાહકોને પણ મોંઘી લોન દેશે. તેમ થવાથી લોકો લોન ઓછી લેશે  અને ખર્ચ પણ ઓછો કરશે.  આમ, ખર્ચ ઓછો થવાથી માંગ પણ ઓછી થશે અને તેમ થતાં મોંઘવારી કાબૂમાં લાવી શકાશે. આમ, વ્યાજદર વધવાથી લોન લેવી તેમજ ચૂકવવી મોંઘી બનશે, આવી સ્થિતિ ધ્યાને લેતાં તહેવારી મોસમમાં ખરીદી ઓછી રહેવાનાં એંધાણ મળે છે. છ સદસ્યોની બનેલી એમપીસીએ રેપોરેટ વધારવાનાં પક્ષમાં સર્વાનુમતે નિર્ણય લીધો હતો. જે ડિસેમ્બર 2024માં સંજય મલ્હોત્રા આરબીઆઈના ગવર્નર બન્યા બાદ પહેલો વધારો છે. આરબીઆઈનું ધ્યાનકેન્દ્ર હવે મોંઘવારી, કમજોર રૂપિયો અને વૈશ્વિક સ્તરે બદલાતી વ્યાજદરોની સ્થિતિ ઉપર છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ વ્યવસ્થામાં મોજૂદ અતિરિક્ત પ્રવાહિતાને ઘટાડવા ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બરમાં બેન્કિંગ સિસ્ટમમાં વધારાની લિક્વિડિટી આશરે 11 લાખ કરોડ રૂપિયા જેટલી હતી.