પાંકડસર મેળામાં આવતા યુવાનને અકસ્માત નડતાં કવેળાએ મોત

ભચાઉના ખારોઇથી ભચાઉ આવતા માર્ગ પર બાઇકચાલકે પોતાના વાહનનું કાબૂ ગુમાવતાં ચાલક નું મોત થયું હતું અને તેની પત્ની, બહેનને ઇજાઓ પહોંચી હતી, રાપરના મોટા ટીંડલવા ગામમાં રહેનાર યુવાન તેની પત્ની તથા બહેન બાઇક લઇને પાંકડસર ગરીબદાસ કબરાઉના મેળામાં જવા નીકળ્યા હતા, જ્યાં રાપર પહોંચતાં બનાવના ફરિયાદી તથા તેની પત્ની અને બહેન મળ્યા હતા. બાદમાં આ છ લોકો બે બાઇક પર સવાર થઇ મેળામાં જઇ રહ્યા હતા. ખારોઇથી ભચાઉ આવતા રોડ પર એસ્સાર પેટ્રોલપંપ પાસે પહોંચ્યા હતા, ત્યારે સામેથી કાર આવતાં બાઇક પરથી કાબૂ ગુમાવતાં બાઇક નીચે પટકાયું હતું, જેમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે ત્રણેયને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો, તેની પત્નીને વધુ સારવાર અર્થે ભુજ લઇ જવાયા હતા.જ્યારે મુંદરાના કારાઘોઘા પાસે પગે જતા 36 વર્ષીય યુવાન ને કારે હડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે તેનો જીવનદીપ બુઝાયો હતો. આ ઉપરાંત મુંદરા તાલુકાના કારાઘોઘા રહેતા અપરિણીત યુવાન મજૂરી કરી તેનું તથા માતાનું ગુજરાન કરતો હતો. તા. 6/10ના સવારે પદયાત્રી કેમ્પમાં રેતી પાથરી બપોરે માતા માટે ટિફિન લઇ પગે ચાલીને જતો હતો, ત્યારે બોચા તરફથી પૂરઝડપે આવતી કાર એ હડફેટે લેતાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત થયું હતું. પ્રાગપર પોલીસ મથકે યુવાનના ભાઇએ ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ આદિપુરમાં શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ યુવાનનું મોત થયું હતું. આદિપુરના રામબાગ રોડ પર અપમૃત્યુનો બનાવ બન્યો હતો. ગત તા. 7/10ના યુવાનને રામબાગ રોડ પાસે શ્વાસ લેવામાં તકલીફ થતાં તે બેભાન થયો હતો. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.