હત્યા, જાસૂસી અને પોક્સો કેસના ઈસમોઓ નિર્દોષ
રૂપિયાની લેતી-દેતી બાબતે વેપારીની હત્યાના કેસમાં ઈસમનો તેમજ પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે જાસૂસીના આરોપીનો તથા માધાપરના પોક્સો કેસનો આરોપી નિર્દોષ જાહેર કરવાના ચુકાદાઓ અદાલતે આપ્યા છે. ગત તા. 9-4-26ના રાતે ભુજના વાણિયાવાડ પાસે આવેલી પાંજરાપોળ શેરી અષ્ટપદા બિલ્ડિંગમાં આરોપી એ લેણી રકમ કઢાવવા હત્યા કર્યાની ફરિયાદ દાખલ થઈ હતી. આ ચકચારી કેસમાં આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી કે, આ હત્યા કોઈ નજરે જોઈ નથી, જ્યાં ઘટના બની ત્યાં સીસીટીવી કેમેરા નથી. આમ મૂળ ઘટના કઈ રીતે બની છે, કોણે કરી છે, તેના કોઈ પુરાવા નથી. આમ આરોપી સામે ફરિયાદ પક્ષ પોતાના કેસ પૂરવાર કરવામાં નિષ્ફળ જતાં ભુજના એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા આદેશ આપ્યો છે. આરોપી તરફે સિનિયર એડવોકેટ ડી.વી. ગઢવી, વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે. ગઢવી, એસ.એસ. ગઢવી હાજર રહ્યા હતા. અન્ય કેસની વિગત મુજબ જાન્યુઆરી-2023માં ભુજનો આરોપી બીએસએફમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો અને અને તેણે સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ પોતાના આર્થિક ફાયદા માટે વોટસએપ મારફતે પાકિસ્તાની જાસૂસી સંસ્થાની મહિલાને આપી હતી, જે અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ નિ:શંકપણે પૂરવાર ન કરી શકતા ભુજની અધિક સેશન્સ અદાલતે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપીના એડવોકેટ તરીકે આર.એસ. ગઢવી, વિનીત જી. ચૌધરી, શિવમ બી. સોલંકી, વિશ્વા એન. પરમાર, એસ.એચ. જેઠી હાજર રહ્યા હતા. આ ઉપરાંત માધાપર પોલીસ મથકે સગીરાનું અપહરણ કર્યાના પોક્સોના કેસમાં આરોપીને તહોમતમાંથી શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી પક્ષે ધારાશાત્રી કે.પી. ગઢવી હાજર રહ્યા હતા.