જખૌ બંદર પાસે ટ્રેઈલરમાં એસ.ટી. ભટકાતાં ડ્રાઈવર-કંડક્ટર ઇજાગ્રસ્ત

અબડાસા તાલુકાનાં જખૌ બંદર પાસે સવારે ધુમ્મસનાં પગલે ઊભેલાં ટ્રેઈલરની પાછળ એસ.ટી. બસ ભટકાતાં ડ્રાઈવર-કંડક્ટર ઘાયલ થયા હતા અને બસમાં એક લાખનું નુકસાન થયું હતું.સૂત્રો પરથી મળતી માહિતી આ અકસ્માત અંગે જખૌ મરિન પોલીસ મથકે, નલિયા એસ.ટી. ડેપો દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ નલિયા-જખૌ લોકલ બસ સવારે 6:30 વાગ્યે જખૌ બંદર નજીક પહોંચી, ત્યારે મીઠું ભરેલું ટ્રેઈલર એ કોઈ જાતના રિફલેક્ટર કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના પાર્ક કર્યું હતું. ધુમ્મસ  જેવાં વાતાવરણના લીધે બસના ડ્રાઈવરને ઊભેલું આ ટ્રેઈલર ન દેખાતાં બસ તેમાં ભટકાઈ હતી. આથી બસના ડ્રાઈવર અને કંડક્ટર ને ગંભીર ઈજાઓ તથા મુસાફરો નાની મોટી ઈજાઓ થઈ હતી. બસમાં અંદાજે રૂા. એક લાખનું નુકસાન થયું હતું. ફરિયાદના આધારે પોલીસે ટ્રેઈલરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.