સપનાનગરમાં અસામાજિક પ્રવૃત્તિઓથી રહેવાસીઓ પરેશાન:ગાંધીધામ

ગાંધીધામ શહેરના સપનાનગર વિસ્તારમાં મસ્જિદ નજીકના મેદાનમાં સાંજના તથા મોડી રાત્રે થતી અસામાજિક પ્રવૃત્તિઓ અને તેના કારણે રહેવાસીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે સપનાનગર રેસિડેન્સી એસો. દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે.સૂત્રો પરથી મળતી માહિતી શહેરના સપનાનગરમાં આવેલા આ મેદાનમાં સાંજથી મધ્ય રાત્રિ સુધી સ્થાનિક તથા આસપાસના વિસ્તારમાંથી આવતા અમુક શખ્સો એકત્રિત થઈને લાંબા સમય સુધી અહીં બેસી રહે છે. જે પૈકીના અમુક તત્ત્વો પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આવા લુખ્ખા તત્ત્વો અપશબ્દો તથા અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે આસપાસમાં રહેતા પરિવારો અને મહિલાઓને ભારે અસુવિધા અને પરેશાની ભોગવવી પડે છે. આ ઉપરાંત કેટલાક આરોપીઓ ખૂબ જ ઝડપથી અને જોખમી રીતે વાહનો ચલાવીને તથા વારંવાર હોર્ન વગાડીને શાંતિનો ભંગ કરે છે, જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં અસુરક્ષાની ભયજનક લાગણી ઊભી થઈ છે. આ વિસ્તારમાં શાંતિ, સલામતી અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંગઠને પોલીસને રજૂઆત કરી છે, તે સાંજે તથા મોડી રાત્રે અહીં નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે તથા જરૂર જણાય તો ગુપ્ત રીતે દેખરેખ રાખીને યોગ્ય તપાસ કરી કાયદાનો ભંગ કરનારા આવારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.