અંજારના મોટી નાગલપર ગામે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરતાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

04

આજરોજ કચ્છના અંજાર તાલુકાના મોટી નાગલપર ગામ ખાતે નવીન પંચાયત ઘરનો લોકાર્પણ કાર્યક્રમ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાજ્યમંત્રીશ્રીએ અંદાજે રૂ.૨૪ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરની ભેટ આપતા ગ્રામજનોને જણાવ્યું હતું કે, શહેરો જેવી સુવિધાઓ ગામડાઓમાં ઉપલબ્ધ બને અને છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એ જ ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે.

        ગ્રામ પંચાયતના સેવકશ્રી અને દીકરીઓને પ્રાથમિકતા આપીને તેમના હસ્તે નવા પંચાયત ભવનનું લોકાર્પણ કરાવીને રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મોટી નાગલપર ગામનો સંપ એ જ સૌથી મોટી મૂડી છે. રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર વિકાસને પ્રાથમિકતા આપીને કામગીરી કરી રહી છે. આજે ગ્રાન્ટના અભાવના કારણે એકપણ વિકાસકાર્ય અટકી રહ્યું નથી.

        કચ્છના વિકાસનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છના ગામડાઓ આજે વાઈબ્રન્ટ બન્યા છે. આજે આપણા ગામડાઓમાં ઘરે ઘરે શૌચાલય બન્યા છે. આ શૌચાલયો એ સ્વચ્છતાની સાથે આપણી પરિવારોના સ્વમાનનું પણ પ્રતીક છે. કચ્છમાં લોકોને ઘર આંગણે જ રોજગારી મળી રહી છે. રાજ્યમંત્રીશ્રીએ નમો લક્ષ્મી જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ અપાવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

        નવીન પંચાયત ઘરનું નિરીક્ષણ કરીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકારની માળખાકીય સુવિધાઓ અને ડિજિટલ ગુજરાતના લીધે નાગરિકોના સમયનો બચાવ થઈ રહ્યો છે. આજે અનેક જરૂરી પ્રમાણપત્રો ઓનલાઈન અરજીથી ગ્રામ પંચાયત મારફતે લોકોને મળી રહ્યા છે. રાજ્યમંત્રીશ્રીએ અંજાર સહિત આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવી કોલેજની મંજૂરી તેમજ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જેવા પ્રકલ્પોને પરિવર્તનકારી વિકાસલક્ષી પગલાઓ ગણાવ્યા હતા.

        મોટી નાગલપર ખાતે વિકાસલક્ષી કામો માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા અંદાજે એક કરોડથી વધારેની રકમ ફાળવવામાં આવી છે તે જાણીને રાજ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. નવીન પંચાયત ભવનને પોતાનું ઘર સમજીને તેની જાળવણીની સામૂહિક જવાબદારી લેવા રાજ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.

        પ્રાસંગિક પ્રવચન કરતાં અંજારના પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે લોકાર્પિત થયેલું નવીન પંચાયત ઘર એ સરકારશ્રીના પ્રજાભિમુખ પારદર્શી વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. આ ભવનથી ગ્રામ્યકક્ષાએ મળવાપાત્ર વિવિધ સેવાઓનો લાભ મેળવવાનો નાગરિકોનો અનુભવ વધુ સુગમ બનશે. પ્રાંત અધિકારીશ્રીએ એટીવીટી અંતર્ગત ગામના વિકાસ માટે અંદાજે રૂ. ૫ લાખ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરીને મોટી નાગલપરમાં નિયમોનુસાર વિકાસકામોને મંજૂરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેઓએ નવીન કચેરીનું જતન કરીને પરસ્પર સહકારથી ગામનો સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.

        ઉલ્લેખનીય છે કે, અંજારના મોટી નાગલપર ગામે રૂ. ૨૩.૭૭ લાખના ખર્ચે તૈયાર થયેલા નવીન પંચાયત ઘરને ગ્રામજનો માટે આજે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પંચાયત ઘરમાં તલાટી ઓફિસ, સરપંચ ઓફિસ સહિત જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

        આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી જયેશભાઈ જેઠવા, અગ્રણી સર્વેશ્રી નરેશભાઈ મહેશ્વરી, બી.કે. આહિર, ભગવાનજીભાઈ રાઠોડ, કાનજીભાઈ આહીર, નૌતમભાઈ ચૌહાણ, નરેશભાઈ થારુ, મનજીભાઈ આહિર, શામજીભાઈ બરાડિયા, જ્યોતિબેન ટાંક, હેતલબેન ચાવડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવેશભાઈ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.