DISH અને FOKIAના સંયુક્ત ઉપક્રમે અંજારમાં OHS કોડ-2020ના અમલીકરણ અને કર્મચારીઓની સુરક્ષા અંગેમાર્ગદર્શન અપાયું

1791554299490

અંજાર : કચ્છના ઔદ્યોગિક ક્ષેત્રમાં સલામતી, કર્મચારીઓના આરોગ્ય અને કાયદાકીય જોગવાઈઓના પાલન અંગે જાગૃતિ લાવવાના
હેતુથી ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક વિભાગ (DISH) તથા ફેડરેશન ઑફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ
એસોસિએશન્સ (FOKIA)ના સંયુક્ત ઉપક્રમે અંજારમા ‘સ્કેલિંગ સેફ્ટી એન્ડ કમ્પ્લાયન્સ : નેવિગેટિંગ OHS કોડ-2020’ વિષય પર
અર્ધદિવસીય સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં કચ્છના 75થી વધુ ઉદ્યોગોના અંદાજે 130 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
સેમિનારમાં ઔદ્યોગિક એકમોમાં વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યસ્થળની પરિસ્થિતિઓ અંગેની સંહિતા (OHS Code,
2020)ની જોગવાઈઓ, તેના વ્યવહારુ અમલીકરણ તથા ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરની કામગીરીને કાયદાકીય જોગવાઈઓ સાથે
સુસંગત બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે કચ્છના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી વાય. આઈ. પેન્ડાલે સ્વાગત પ્રવચન કર્યું
હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્ર, રાજકોટના જોઇન્ટ ડિરેક્ટર શ્રી એચ. એસ. પટેલે OHS કોડ-2020ની પ્રાસંગિકતા સમજાવી
ઉદ્યોગોએ તેના અસરકારક અમલીકરણ માટે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ગુજરાત રાજ્યના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના ડાયરેક્ટર શ્રી પી. એમ. શાહે મુખ્ય વક્તા તરીકે ઉદ્યોગોને સંહિતાની
જોગવાઈઓ અને તેના વ્યવહારુ અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્યોગોની દૈનિક કામગીરીમાં સલામતી અને આરોગ્ય
સંબંધિત નિયમોનું યોગ્ય સંકલન થાય તેમજ કાયદાકીય જવાબદારીઓ અંગે સ્પષ્ટ સમજ વિકસે તે બાબત પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું
હતું.
સેમિનારના પ્રથમ ટેક્નિકલ સેશનમાં ‘ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર્સને OHS કોડ-2020 સાથે સુસંગત બનાવવા’ વિષય પર એકોર્ડ
હોસ્પિટલના સ્થાપક અને ડિરેક્ટર તથા FOKIAના ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ વેલબીઇંગ વિભાગના એસોસિયેટ ડિરેક્ટર ડૉ. જ્ઞાનેશ્વર
રાવે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉદ્યોગોમાં કર્મચારીઓના આરોગ્યની જાળવણી, નિવારક આરોગ્યસંભાળ અને ઓક્યુપેશનલ હેલ્થ
સેન્ટર્સની અસરકારક કામગીરીનું મહત્વ સમજાવ્યું હતું.
બીજા ટેક્નિકલ સેશનમાં શ્રી પી. એમ. શાહે OHS કોડ-2020ની વિવિધ જોગવાઈઓ અને ઔદ્યોગિક એકમો પર તેની વ્યવહારુ
અસરો અંગે માહિતી આપી હતી. ઉદ્યોગોની હાલની વ્યવસ્થાઓમાં સલામતી અને આરોગ્ય સંબંધિત નિયમોનો સમાવેશ કરવા
તેમજ કાયદાકીય અનુપાલનને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં DISHના અધિકારીઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે પ્રશ્નોત્તરી તથા ચર્ચા-વિચારણાનો અવસર પણ મળ્યો હતો.ઉદ્યોગોને કાયદાકીય અનુપાલન સંબંધિત પ્રશ્નો રજૂ કરવા અને ટેક્નિકલ સ્પષ્ટતા મેળવવા માટે આ સેમિનાર ઉપયોગી બન્યો હતો.
કાર્યસ્થળની સલામતીને માત્ર કાયદાકીય જવાબદારી પૂરતી મર્યાદિત ન રાખતાં તેને ઔદ્યોગિક વ્યવસ્થાપનનો અભિન્ન હિસ્સો
બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
આ પ્રસંગે DISHના ડાયરેક્ટર શ્રી પી. એમ. શાહ, જોઇન્ટ ડિરેક્ટર શ્રી એચ. એસ. પટેલ, અમદાવાદના જોઇન્ટ ડિરેક્ટર શ્રી સી.
પી. ધોળુ, કચ્છના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી વાય. આઈ. પેન્ડાલ, FOKIAના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિષ ફડકે, અદાણી
એન્ટરપ્રાઇઝિસના એજીએમ શ્રી જૈનિલ પુરોહિત તથા ડૉ. જ્ઞાનેશ્વર રાવ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે વેલસ્પન ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ – કોર્પોરેટ અફેર્સ શ્રી ભગીરથસિંહ જાડેજાએ આભારવિધિ કરી હતી. તેમણે
કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપનાર DISHના અધિકારીઓ, વક્તાઓ, FOKIA અને ઉપસ્થિત ઉદ્યોગ પ્રતિનિધિઓનો
આભાર વ્યક્ત કર્યો હતો.
સેમિનારનું આયોજન અને સંકલન FOKIAની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શિવાની ભગત, વંદના વૈષ્ણવ, ઓમ સોની,
કુશ પંડ્યા, ભરત બારોટ અને કિશોર બડગાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
કચ્છના ઔદ્યોગિક ક્ષેત્રમાં સલામતી અને આરોગ્ય અંગે જાગૃતિ વધારવા તથા ઉદ્યોગો અને સરકારી તંત્ર વચ્ચે સંકલન મજબૂત
કરવાના હેતુથી યોજાયેલા આ સેમિનાર દ્વારા કર્મચારીઓની સુરક્ષા, વ્યવસાયિક આરોગ્ય અને કાયદાકીય અનુપાલનને ટકાઉ
ઔદ્યોગિક વિકાસ સાથે સાંકળવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.