માધાપરમાં બંધ મકાનમાંથી ત્રણ લાખની તસ્કરી
ભુજના માધાપર નવાવાસમાં આવેલા સમાજનગર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાને લીધું હતું. આ બંધ મકાનનાં તાળા તોડી તેમાંથી તસ્કરોએ સોનાં-ચાંદીના દાગીના તથા રોકડ રકમ એમ કુલ્લ રૂા. 3,01,500ની મતાનો હાથ માર્યો હતો. માધાપર નવાવાસ સમાજ નગરમાં મકાન નંબર 106, 107-સીમાં રહેતા તથા ગ્લેનમાર્ક કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરનાર રેનિશ પોપટલાલ હંસોરાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 4-10ના સવારે તે કામ અર્થે હૈદરાબાદ જવા નીકળ્યા હતા. તે જ દિવસે રાત્રે 8-30ના અરસામાં આ યુવાનના પત્ની ઉપાસનાબેન પોતાના પુત્ર વિયાંશને લઇને માધાપર હીરાણીનગરમાં પોતાના પિયરે ગયા હતા. બાદમાં તા. 7-10ના ફરિયાદી હૈદરાબાદથી પરત આવી સસરાના ઘરે પહોંચ્યા હતા. ત્યાંથી ત્રણેય પોતાના ઘરે આવતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. ઘરમાં અંદર જઇને તપાસ કરતાં બેડરૂમમાં રાખેલા બે કબાટનો સરસામાન વેરવિખેર નજરે પડયો હતો. તીજોરીના લોક પણ તૂટેલા હતા. તસ્કરોએ અહીંથી એક તોલનું સોનાંનું મંગળસૂત્ર, એક તોલાની સોનાંની ચેઈન, નાની બે પોંચી, બે વીંટી, પાંચ ગ્રામનાં બુટિયા નંગ-ચાર, ત્રણ ગ્રામનું સોનાંનું પેન્ડલ, છ જોડી ચાંદીના નજરિયા, વાટકી, ચમચી, ચાંદીના પાંચ જોડી સાંકળા, ચાંદીની એક જોડી બુટી, બ્રેસલેટ, ચાંદીની નાની ગાય, નાનો તુલસી કયારો, ચાંદીની નાની પોંચી નંગ-ત્રણ, ચાંદીની બે બંગળી, ચાંદીની વીંટી તથા રોકડ રૂા. 25,000 એમ કુલ્લ રૂા. 3,01,500ની મતાનો હાથ મારી નાસી છૂટયા હતા. બનાવ અંગે તપાસ કર્યા બાદ અંતે ગઇકાલે રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. લાખોની ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.