ગાંધીધામ કોર્ટનો ચુકાદો; એક વર્ષની કેદ અને 8.70 લાખનો દંડ

  શહેરમાં ચેક રિટર્ન થવાના મામલે ગાંધીધામની ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળના ફોજદારી કેસમાં અદાલતે આરોપી નિર્મલ પ્રધાનને દોષિત ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 8,70,000નો દંડ ફટકાર્યો છે. કેસની વિગત અનુસાર, ફરિયાદી મોહિત દિનેશભાઈ મુલચંદાની (રહે. ગાંધીધામ) પાસેથી આરોપીએ હાથ ઉછીના રૂા. 5,00,000 લીધા હતા, જે પરત ચૂકવવા માટે આપેલ ચેક બાઉન્સ થતાં ફરિયાદીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી. અદાલતે આરોપીને દંડની રકમ રૂ. 8,70,000 ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો આરોપી દંડ ભરવામાં કસૂર કરશે, તો વધુ છ મહિનાની સાદી કેદની સજા ભોગવવા આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ જે.જે. કારિયા રહ્યા હતા.