મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી : નવ લોકોના મોત

મણિપુરના પહાડી જિલ્લાઓમાં ફરી હિંસા ફાટી નીકળી છે અને નવ લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યના ત્રણ જુદા-જુદા જિલ્લામાં માત્ર 12 કલાકની અંદર હિંસક અથડામણ, ફાયરિંગ અને આગજનીના બનાવોથી તણાવ ફેલાયો છે. મળતી માહિતી મુજબ કામજોંગ જિલ્લાના ચાસદ ગામમાં શુક્રવારે રાત્રે તાજેતરની હિંસા શરૂ થઇ હતી, જ્યાં 41 વર્ષીય કૂકી મહિલા ડોમખોની તુથાંગની ગોળી મારીને હત્યા કરાઇ હતી. પોલીસ અને સુરક્ષા દળોની સંયુકત ટીમો ગામના સુરક્ષા ગાર્ડ પોસ્ટને દૂર કરવા ગઇ હતી,જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબારમાં મહિલાને પગ અને છાતીમાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પરિસ્થિતિ તંગ બની હતી અને અનેક સ્થળોએ તોફાન ફાટી નીકળ્યા હતા. 22 વર્ષીય માઇકલ ગેમિનલેન હાઓકીપનું શનિવારે સવારે ચસદ ગામમાં થયેલા હુમલામાં અનેક કૂકી મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. નિંગચો ગામમાં ભારત-મ્યાનમાર સરહદ નજીક શંકાસ્પદ કૂકી આતંકવાદીઓ દ્વારા બે નગા નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કાંગપોકપી જિલ્લાના મકુઇ અસાંગ ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં નગા ગામના ગાર્ડસે પણ મોરચો સંભાળ્યો હતો. ફાયરિંગમાં ચાર ગાર્ડ શહીદ થયા હતા.