સરકારના દેખાવો ડામી દેતા પગલાં સામે સુપ્રીમ સખત

image

કોકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શન દરમ્યાન હજારો દેખાવકારોની અટક કરાયાના બીજા દિવસે રવિવારે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. વિશેષ સુનાવણીમાં અદાલતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓને અટકમાં નહીં લેવાનો આદેશ આપ્યો હતો.માહિતી મૂજબ સાથોસાથ કેન્દ્ર સરકારને દિલ્હી મેટ્રોની સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહે અને ઇન્ટરનેટ સેવા પણ ચાલુ રહે, તેવું સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. બેરિકેડ્સ હટાવવાનો આદેશ પણ અદાલતે આપ્યો હતો. મંગળવારે વધુ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટની વિશેષ ખંડપીઠે રવિવારે ખાસ બેઠકમાં અદાલતી આદેશોની અવહેલના બદલ ગૃહ મંત્રાલયના અધિકારીઓને કારણ દર્શક નોટિસ આપી હતી. અદાલતે કેન્દ્રીય ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના અધ્યક્ષને નોટિસ જારી કરીને જવાબ માગ્યો હતો. જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠે વિશેષ બેઠકમાં અદાલતની અવહેલનાની કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટે  આદેશ આપ્યો છે કે, દિલ્હીમાં લોકોની અવરજવર રોકી શકાતી નથી. કોર્ટે મેટ્રોનું સંચાલન સામાન્ય રાખવા, ઈન્ટરનેટ સેવાઓ બહાલ કરવા, વકીલોને નહીં રોકવા અને શહેરભરમાંથી પોલીસ બેરિકાડિંગ હટાવી તેની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. સોલિસીટર તુષાર મહેતાએ કહ્યું કે, શનિવારે 303માંથી માત્ર 45 મેટ્રો સ્ટેશન જ બંધ કરાયાં હતાં. સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં વકીલો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. વકીલોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, પ્રદર્શન દરમિયાન 10 ઓક્ટોબરે પોલીસે વકીલો સાથે મારપીટ કરી હતી અને સુપ્રીમ કોર્ટ પરિસરમાં પણ પોલીસની હાજરી સામે આપત્તિ દર્શાવી હતી. શરૂઆતમાં કોર્ટરૂમ નંબર 18માં વીડિયો કોન્ફરન્સિંગ લિંક કામ ન કરતી હોવાથી વકીલોની રજૂઆત બાદ સુનાવણી 15 મિનિટ સ્થગિત કરી કોર્ટરૂમ નંબર-પાંચમાં ખસેડવામાં આવી હતી. જસ્ટિસ બાગચીએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પાસે એ તમામ મેટ્રો સ્ટેશનોનો નકશો માગ્યો છે, જ્યાં એન્ટ્રી અને એક્ઝિટ બંધ કે મર્યાદિત કરવામાં આવ્યા હતા. અદાલતે પૂછ્યું કે, શરૂઆતમાં 57 સ્ટેશન બંધ કરવાનો પ્રસ્તાવ હતો, તો પછી 45 સ્ટેશન પર નિયંત્રણ કેમ લાદવામાં આવ્યા ? મુસાફરોની અવરજવર પર પડેલી અસરની સમીક્ષા કરવા માટે કોર્ટે આ વિગતો માગી છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, ગઈ રાત્રે 10 વાગ્યા સુધીમાં તમામ મેટ્રો સ્ટેશનો ખોલી દેવામાં આવ્યાં હતાં.  સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, દિલ્હી મેટ્રોના કુલ 303 સ્ટેશનમાંથી માત્ર 45 સ્ટેશનો પર જ પ્રવેશો મર્યાદિત કરાયા હતા અને આસપાસના સ્ટેશનો કાર્યરત હતા. તેમણે જણાવ્યું કે, સામાન્ય સમયપત્રક મુજબ 7,981 ટ્રેન ટ્રિપ્સ ચાલી હતી. આ ઉપરાંત, બપોરે 2 વાગ્યે પ્રદર્શન સ્થળેથી લોકોને ખસેડાયા બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા, તેથી હેબિયસ કોર્પસ અરજીની જરૂર નથી.  આ ઉપરાંત હજારોની સંખ્યામાં અટકાયતી પગલાંઓ સામે કોર્ટે જરૂરી નિર્દેશ આપતાં કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને સ્થાપિત પ્રક્રિયા વગર અટકાયતમાં લેવા ન જોઈએ. અદાલતે વિશેષરૂપે એ ક્ષેત્રોની બહાર શાંતિપૂર્ણ અને નિ:શત્ર એકત્ર થતાં લોકોના સંદર્ભમાં આ આદેશ આપ્યો હતો, જ્યાં નિષેધાત્મક આદેશ લાગુ છે. ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની પીઠે નિર્દેશ આપ્યો હતો કે, સુપ્રીમ કોર્ટ આસપાસનાં ક્ષેત્રમાં કલમ 163 લાગુ કરવા સંબંધિત સૂચનાનાં બોર્ડને જો હટાવી દેવામાં ન આવ્યા હોય તો તત્કાળ હટાવવામાં આવે. આ નિર્દેશનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે, ન્યાય સુધી પહોંચ, અદાલતમાં પ્રવેશ અને કામગીરીમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન રહે.  આ પહેલાં તા. 9મીએ કોર્ટે નિર્દેશ આપેલો કે સુરક્ષાનાં નામે મેટ્રો અને રેલ સેવા સદંતર બંધ થવી જોઈએ નહીં. તેમ છતાં રવિવારે દિલ્હી આવતી ટ્રેનો અને મેટ્રો ટ્રેન સ્ટેશનો બંધ કરી નાખવામાં આવેલા. સર્વોચ્ચ અદાલતના આ આદેશનું પાલન નહીં કરવાં સબબ ગૃહ મંત્રાલયના સંબંધિત અધિકારીઓને અદાલતની અવમાનનાની કાર્યવાહી માટે નોટિસો પણ ફટકારવામાં આવી હતી. આ અધિકારીઓએ સોગંદનામા દાખલ કરવા પડશે.