દીવાબત્તી વાટ મશીનમાં વાટ સરખી ન બનતાં મશીનની રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

ભુજ દીવાબત્તીની વાટ બનાવવાના મશીનમાં વાટ સરખી રીતે ન બનતાં તેની ફરિયાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ કરાતાં મશીનની રકમ ફરિયાદ અરજીની તારીખથી 9 ટકા વ્યાજ સાથે પરત કરવી અને શારીરિક-માનસિક ત્રાસ પેટે વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી એ સામાવાળા રાધે એન્ટરપાઇઝ ઓફિસ પાસેથી દીવાબત્તીની વાટ બનાવવાનું મશીન રૂા. 45,000માં ખરીદ્યું હતું. આ દીવાબત્તીની વાટ સરખી રીતે ન બનતાં તે બાબતેની જાણ રાધે એન્ટરપ્રાઇઝને કરી, પરંતુ તેઓએ કોઇ પણ પ્રકારની દાદ આપી નહીં. આથી ફરિયાદી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ફરિયાદ અરજી અંશત: મંજૂર કરી અને સામાવાળાને મશીનની રકમ રૂા. 45,000 ફરિયાદ અરજીની તારીખથી 9 ટકા વ્યાજ સાથે પરત ચૂકવવાનો તથા શારીરિક અને માનસિક ત્રાસના રૂા. 2500 અને ફરિયાદ અરજી ખર્ચના રૂા. 2500 ચૂકવવાનો આદેશ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ તરીકે વી.આર. જાડેજા, ધૈર્ય વી. ઠક્કર, આર.એન. સોઢા, નાથી વી. રબારી હાજર રહ્યા હતા.