આધારકાર્ડ સંલગ્ન પેમેન્ટથી બારોબાર 1.10 લાખ ઉપડી ગયા
ભ ઈ-ચલણ, વીજબિલ બાકી અને નિમંત્રણ કાર્ડ મારફતે ઓનલાઈન ઠગાઈના બનાવો વચ્ચે આધારકાર્ડ સંલગ્ન પેમેન્ટથી 10-10 હજારના 11 ટ્રાન્ઝેક્શનથી કુલ રૂા. 1.10 લાખ નખત્રાણાના ચાવડકાના વડીલના ખાતામાંથી સેરવી લેવાનો બનાવ સામે આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી આ છેતરપિંડીથી અજાણ એવા ચાવડકાના 71 વર્ષીય ખેડૂત વડીલ એ વિથોણમાં બેન્ક ઓફ બરોડામાં તેની પાસબુકમાં પંદરેક દિવસ પહેલાં એન્ટ્રી કરાવી ઘરે રાખી હતી. આ બાદ તા. 8/10ના તેમના દીકરા એ પાસબુક ચેક કરતાં તેમાં તા. 30/10/25થી તા. 14/4/26 દરમ્યાન રૂા. 10-10 હજારના અલગ-અલગ 11 ટ્રાન્ઝેક્શન મારફત કુલ રૂા. 1,10,000 ઉપડયા હોવાનું જણાવતાં ફરિયાદી એ કહ્યું કે, તેમણે નાણાં ઉપાડયા નથી. આમ તેમની સાથે ફ્રોડ થયાનું સામે આવતાં સાયબર હેલ્પલાઈન નંબર 1930 ઉપર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સાથે થયેલા ફ્રોડમાં આધારકાર્ડ સંલગ્ન પેમેન્ટ સિસ્ટમ મારફત થઈ હતી. તેમનો ડેટા કોઈ જગ્યાએથી કોમ્પ્યુટર રિસોર્સનો ઉપયોગ કરી મેળવીને કોઈ અજાણ્યા શખ્સે આ છેતરપિંડી કર્યાનું નખત્રાણા પોલીસ મથકે ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.