ધંધાકીય નવરાત્રીઓના દોરમાં ભુજના વોકળા ફળિયાની 65 વર્ષ જૂની પરંપરા અડીખમ

image

આધુનિક સમયમાં ધંધાકીય નવરાત્રીઓનું ચલણ વધતું જાય છે, ત્યારે શેરી-ફળિયાની પરંપરાગત નવરાત્રીઓનું આયોજન મર્યાદિત બની રહ્યું છે. આવા સમયે ભુજના વોકળા ફળિયા મિત્રમંડળ દ્વારા છેલ્લા 65 વર્ષથી યોજાતી નવરાત્રી આજે પણ પરંપરા અને લોકસંસ્કૃતિને જીવંત રાખી રહી છે. સમગ્ર ભુજ અને કચ્છમાં આગવી ઓળખ ધરાવતી આ નવરાત્રી માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ કોમી એકતા અને સામાજિક સદભાવનાનું પ્રતીક પણ બની છે.
વોકળા ફળિયા મિત્રમંડળની વિશેષતા એ છે કે અહીં હિન્દુ અને મુસ્લિમ પરિવારો સાથે મળીને નવરાત્રીનું આયોજન કરે છે. પરસ્પર સહકાર અને ભાઈચારાની ભાવના સાથે ઉજવાતો આ ઉત્સવ સમાજને એકતાનો સંદેશ આપે છે.
નવરાત્રી દરમિયાન પરંપરાગત વાજિંત્રો, નોબત, ઢોલ અને કીબોર્ડના તાલે સમગ્ર ફળિયામાં ઉત્સવનો માહોલ છવાઈ જાય છે. સૌપ્રથમ નાની બાલિકાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ દાંડિયા રાસનો પ્રારંભ થતાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમે છે. રાતભર ચાલતા રાસ-ગરબામાં યુવાનો, મહિલાઓ અને વડીલો ઉમંગભેર જોડાય છે.
આધુનિકતાના પ્રવાહ વચ્ચે વોકળા ફળિયાની આ 65 વર્ષ જૂની પરંપરા નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડવાનું કાર્ય કરી રહી છે. પરંપરા, સહઅસ્તિત્વ અને ભાઈચારાને ઉજાગર કરતી આ નવરાત્રી ભુજની આગવી સાંસ્કૃતિક ઓળખ બની રહી છે.