ભુજમાં ‘પાંજો સમાજ પાંજી નવરાત્રી 2026’ના બીજા દિવસે હજારો બ્રહ્મબંધુઓ રાસ-ગરબે ઝૂમ્યા.

રાજગોર સમાજ પ્રેરિત પરશુરામ મંદિર સમિતિના આયોજનમાં સામાજિક એકતા અને સંસ્કૃતિનાં દર્શન નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ ગરબાના રંગે રંગાયા…કચ્છના ભુજ ખાતે શ્રી ભુજ રાજગોર સમાજ પ્રેરિત પરશુરામ મંદિર સમિતિ દ્વારા આયોજિત તૃતીય નવરાત્રી મહોત્સવ, પાંજો સમાજ પાંજી નવરાત્રી 2026, માં બીજા દિવસે હજારોની સંખ્યામાં બ્રહ્મબંધુઓએ ઉત્સાહભેર રાસ-ગરબે રમીને નવરાત્રીના રંગમાં રંગાઈ ગયા હતા. ભુજની આર.ટી.ઓ. સમાજવાડી ખાતે ત્રીજા વર્ષે યોજાઈ રહેલા આ સામાજિક અને સાંસ્કૃતિક ગરબી મહોત્સવમાં ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ગરબી મહોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં સમાજની એકતા, ભાઈચારો અને સામૂહિક સહભાગિતાનું પણ સુંદર ઉદાહરણ બની રહ્યો છે. સમાજના ભાઈઓ-બહેનો, યુવકો-યુવતીઓ, નાના બાળકો અને વડીલો એકસાથે ગરબે ઘૂમીને પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને ઉત્સાહભેર જોડાયેલા સમાજના સભ્યોના કારણે સમગ્ર પરિસર નવરાત્રીના રંગે રંગાઈ ગયું હતું.
ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર તથા સમિતિના શ્રી રાજેશભાઈ ગોરના નેતૃત્વમાં યોજાઈ રહેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ભાગ લઈ રહ્યા છે. ત્રીજા વર્ષે પણ આ આયોજનને મળતો ઉત્સાહભર્યો પ્રતિસાદ સમાજના સભ્યોમાં પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેની લાગણીને ઉજાગર કરે છે.
આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
‘પાંજો સમાજ પાંજી નવરાત્રી 2026’ મહોત્સવના બીજા દિવસની ભવ્ય ઉજવણીમાં સમાજના લોકોની મોટી ઉપસ્થિતિ અને ઉત્સાહે કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આ આયોજન દ્વારા ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.