માનકુવા વણકરવાસમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ સામે મેઘ મારુ સમાજનું રેલી-આવેદન

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં માનકુવા ના વણકરવાસ – બાવરવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી-વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલતું હોવાની ફરિયાદ સાથે આજે મેઘ મારુ વણકર સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
સમાજના યુવાઓ, મહિલાઓ અને વડીલો દ્વારા રેલી યોજીને માનકુવા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વણકરવાસ પાસે ચાલતા દારૂના અડ્ડાઓના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ છે. દારૂ પીધા બાદ ઝઘડા-અશાંતિ થાય છે, માતા-બહેનો અને શાળાએ જતા બાળકોમાં ભયનો માહોલ છે, અને અનેક પરિવારો આર્થિક અને સામાજિક રીતે બરબાદ થઈ રહ્યા છે. યુવા પેઢી ખોટા રસ્તે જઈ રહી છે.
સમાજની મુખ્ય માંગણીઓ:
૧. વણકરવાસમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક દરોડા પાડી કાયમી બંધ કરવા.
૨. મુખ્ય બૂટલેગરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી.
૩. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવું.
જો આગામી ૨ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આવેદનમાં આપવામાં આવી છે.
આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો નાનજીભાઈ સીજુ, ભીમજીભાઈ ભદ્રુ, ગાંગજીભાઈ કુવટ, દામજીભાઈ મેરીયા, ભરતભાઈ સીજુ, દિનેશભાઈ સીજુ, વેરશીભાઈ જયપાલ, કરસનભાઈ સીજુ, કરસનભાઈ બદરુ, મુકેશભાઈ સીજુ,ભચીબેન સીજુ, હીરાબેન મેરીયા, સોનીબેન ભદ્રુ, અજીબેન મેરીયા તથા સમસ્ત મેઘ મારુ સમાજના યુવાઓ, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.