ભુજમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે બીડિવિઝન પોલીસનું નાઇટ પેટ્રોલિંગ…

image

મહિલા પોલીસ ટીમ દ્વારા ગરબા મંડળોની મુલાકાત, વાહન ચેકિંગ અને શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર… મુશ્કેલીના સમયે 112 પર જાણ કરવા અપીલ કરી હતી… નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે તથા તહેવારની ઉજવણી નિર્ભયતાથી કરી શકે તે હેતુથી ભુજ બીડિવિઝન પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. પીઆઈ એસએમરાણાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ કર્મચારીઓ સહિત પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા પર સતત નજર રાખી રહી છે.નવરાત્રી દરમિયાન ગરબા મંડળો અને જાહેર સ્થળોએ મહિલાઓ, યુવતીઓ તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ ટીમ વિવિધ નવરાત્રી મંડળોની મુલાકાત લઈ આયોજકોને જરૂરી સૂચનાઓ આપી રહી છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.આ નાઇટ પેટ્રોલિંગમાં એએસઆઈ સરોજબેન રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રમીલાબેન શાહુ, કોન્સ્ટેબલ જયશ્રીબેન સાધુ, હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.મહિલા પોલીસ કર્મચારીઓ ગરબા મંડળોની મુલાકાત દરમિયાન મહિલાઓ, યુવતીઓ અને વડીલો સાથે સંવાદ કરી સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવી રહી છે. કોઈપણ પ્રકારની છેડતી, અસામાજિક પ્રવૃત્તિ કે શંકાસ્પદ હિલચાલને રોકવા માટે પોલીસ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નવરાત્રી દરમિયાન કોઈપણ સ્થળે મુશ્કેલીનો સામનો કરવો પડે, અસુરક્ષિત લાગણી થાય અથવા કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવી. ભુજ બી ડિવિઝન પોલીસના આ પ્રયાસોથી નવરાત્રી દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા મજબૂત બનાવવા તથા નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે