73 લાખ કિલોથી વધુ સિંધવ મીઠાના મોટા કૌભાંડનો પર્દાફાશ

તા. 14 : ડી.આર.આઇ. પૂના તથા અન્ય શાખાઓ દ્વારા ભારત સરકારના આયાત પ્રતિબંધોને બાયપાસ કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ ઓપરેશન ડીપ મેનિફેસ્ટ હેઠળ આ એજન્સીએ સિંધવ મીઠાંના જથ્થા સાથે 295 કન્ટેનર ઝડપાયા હતાં.73,11,000 કિલોથી વધુ જથ્થાની બજાર કિંમત 30 કરોડ થાય છે. આ કૌભાંડ પાકિસ્તાની, યુ.એ.ઇ., શ્રીલંકન, ભારતીય નાગરિકોની સંસ્થાઓ સાથે જોડાયેલું એક વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે. આ નેટવર્કે ભારતમાં પાકિસ્તાની વસ્તુઓની આયાત પરના પ્રતિબંધને છુપાવવા માટે ત્રીજા દેશ એટલે કોલંબો પોર્ટ શ્રીલંકા દ્વારા શિપમેન્ટને રૂટ કરાયા હતા અને યુ.એ.ઇ. સ્થિત સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા નકલી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન તથા ઇન્વોઇસનો ઉપયોગ કરીને માલનું મૂળ સ્થાન ખોટું દર્શાવાયું હતું. જો કે, શ્રીલંકા કસ્ટમ સમક્ષ દાખલ કરાયેલા દસ્તાવેજોમાં દેશ તરીકે પાકિસ્તાન અને અંતિમ ગંતવ્ય તરીકે ભારતનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ડી.આર.આઇ.એ 26 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2026 દરમ્યાન ગાંધીધામ, આદિપુર, વેરાવળ, પાણીપત, પૂણે, પટિયાલા, દિલ્હી અને મુંબઇમાં સંકલિત દરોડા પાડયા હતા. આ તપાસ દરમ્યાન, બહાર આવ્યું હતું કે, નવ આયાતકારોએ પ્રતિબંધનો ભંગ કરીને માર્ચ-2026થી મુંદરા, કંડલા બંદરો દ્વારા આ કન્ટેનરો લાવ્યાં હતાં. જેમાંથી કંડલા બંદર પર જપ્ત કરાયેલા પાંચ કન્ટેનરોમાં 140 મેટ્રિક ટન રૂા. 24.41 લાખનું સિંધવ મીઠું મળ્યું હતું. આ દરમ્યાન આયાતકારોના બેન્ક ખાતામાંથી રૂા. 20.96 લાખની વેચાણ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં કસ્ટમ એક્ટની કલમો હેઠળ આયાતમાં પેઢીઓના બે માલિકો, ભાગીદારો, કસ્ટમ બ્રોકરના જી-કાર્ડધારક,  દુબઇ સ્થિત સપ્લાયરના માલિક સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ડી.આર.આઇ.એ નાસિક ખાતે મુંબઇ સ્થિત એક ફર્મ દ્વારા આયાત કરાયેલા 13 કન્ટેનરમાંથી પાકિસ્તાન મૂળના 3,62,000 કિલોથી વધુ સૂકી ખજૂર જપ્ત કર્યા હતા તેમજ કંડલામાં પણ કરોડોના ખજૂરકાંડનો પર્દાફાશ કરાયો હતો.