પૂર્વ કચ્છ વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા સમયે વેરો ન ભરનારા 900 જેટલા વાહનચાલકોને નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી
અંજાર આવેલી પૂર્વ કચ્છ વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા સમયે વેરો ન ભરનારા 900 જેટલા વાહનચાલકોને નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી હાથ ધરીને વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા .સરકારના જુદા-જુદા વિભાગો દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે પૂર્વ કચ્છ આરટીઓ વિભાગે પણ બાકીદારો ઉપર સકંજો કસ્યો છે. તંત્ર દ્વારા વેરાની રકમ ન ભરનારા ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોને નોટિસ આપીને બાકી વેરા રકમ ભરપાઈ કરવા તાકીદ કરી હતી. આરટીઓ તંત્ર દ્વારા અંદાજિત 2.70 કરોડની બાકી વસૂલાત માટે ગતિવિધિ હાથ ધરાઈ છે. જાણકારોએ વિગતો આપતાં કહ્યું હતું કે, સમયસર બાકી ટેક્સની રકમ ન ભરનારા વાહનમાલિકોની યાદી તૈયાર કરી કાળી યાદીમાં મુકાયા છે. પરિણામે બાકીદારો પોતાનાં વાહનમાં નામ ટ્રાન્સફર વિગેરે કામગીરી કરી શકશે નહીં. આગામી દિવસોમાં વાહનનો બાકી વેરો ન ભરનારાની મિલકતમાં બોજો દાખલ કરવા સહિતની ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવશે તેવુ આરટીઓ અધિકારી શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.