રાપર અને ભચાઉમાં ગેરકાયદે ખનન પર દરોડા; ૨૦ વાહનો સાથે ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત

ગેરકાયદેસર રેતી/ખનીજનુ ખનન કરતા હિટાચી અને ટ્રકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા મદદનીશ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી,ભચાઉ, મામલતદારશ્રી,ભચાઉ, મામલતદારશ્રી, રાપર તથા ખાણ-ખનીજ વિભાગની સંયુકત ટીમ
મે.જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સાહેબશ્રી,ભુજ-કચ્છની સુચનાના પગલે મદદનીશ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉ, મામલતદારશ્રી,ભચાઉ, મામલતદારશ્રી, રાપર અને ખાણ-ખનીજ વિભાગની સંયુકત ટીમ દ્વારા આજરોજ તા.૧૬/૧૦/૨૦૨૬ના ભચાઉ અને રાપર તાલુકામાં થઇ રહેલ ગેરકાયદેસર ખનન અને પરીવહન અન્વયે કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ હતી.
આ કાર્યવાહી દરમિયાન રાપર તાલુકાના લોદ્રાણી ખાતે આશરે ૨ એકરમાં ખનન કરતા ૦૨ હિટાચી, ૦૩ ટ્રક, રાપર ખાતેથી ગેરકાયદેસર ખનીજનું વહન કરતા કુલ-૧૩ ટ્રકો, જાટાવાડા ખાતે ખનન સાઇટ ઉપરથી ૦૧ ટ્રેકટર કમ લોડર, સુરજબારી ટોલપ્લાઝા ખાતેથી રોયલ્ટી વગરની ૦૪ ટ્રકો તથા ૧૫ ઓવરલોડ ટ્રકો તથા આઘોઇ, તા.ભચાઉ ખાતેથી ૦૧- હિટાચી સીઝ કરવામાં આવેલ. ઓવર લોડ વાહનો અંગે આર.ટી.ઓ.ને સાથે રાખી સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ હતી. જેમાં કુલ રૂા.૩,૬૦,૦૦૦/- ની સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ લોદ્રાણી ખાતે થયેલ ગેરકાયદેસર ખનન સ્થળે આગળની કાર્યવાહી કરવા માટે ખાણ ખનિજ વિભાગની ટીમને જરૂરી સુચના આપવામાં આવી.
આમ આ કાર્યવાહી દરમિયાન આશરે રૂપિયા ૮ કરોડનો મુદામાલ જપ્ત કરી વાહન વિરુધ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેશન ઇન લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, ૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી દંડની કાર્યવાહી અર્થે લગત પોલીસ સ્ટેશનમાં વાહનોનો કબ્જો સોપવામાં આવેલ.