અમદાવાદમાં ‘આમ જનમત પાર્ટી’નું ₹250 કરોડનું કથિત કૌભાંડ

image

અમદાવાદમાં આમ જનમત પાર્ટીના નામે રૂા. 250 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ. આવકવેરા વિભાગની તપાસમાં જણાયું છે કે, પક્ષના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે મોટા કરદાતાઓને 100 ટકા ટેક્સ કપાતનો લાભ અપાવી, કમિશનની રકમ કાપીને બોગસ કંપનીઓ મારફતે રોકડ પરત કરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું. આ મામલે આઇટી ડિપાર્ટમેન્ટે સીઆઈડી ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ દર્જ કરાઇ છે. આમ જનમતપાર્ટી, તેના રાષ્ટ્રીય અધ્યક્ષ, ખજાનચી અને અન્ય લોકો મળીને 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદ અને ભરૂચમાં અગાઉ રાજકીય પક્ષોના નામે દાનની રકમ મેળવીને આચરવામાં આવેલા આર્થિક કૌભાંડની તર્જ પર અમદાવાદમાં ફરી એક રાજકીય પાર્ટીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આમ જનમત પાર્ટી નામના માત્ર કાગળ પર અસ્તિત્ત્વ ધરાવતા રાજકીય પક્ષે તેના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને બોગસ ડોનેશન તથા ખોટા ખર્ચ હિસાબો દર્શાવીને રૂા. 250 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઈન્કમ ટેક્સ વિભાગની તપાસમાં ખૂલ્યું છે કે વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન આ પાર્ટીના બેંક ખાતામાં 843.97 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. જેમાં મોટા કરદાતાઓને 100 ટકા ટેક્સ કપાતનો લાભ અપાવી બોગસ કંપનીઓ અને આંગડિયા પેઢીઓ મારફતે પોતાનું કમિશન કાપીને મૂળ રકમ રોકડમાં પરત કરવામાં આવતી હતી. આ ટેક્સ ચોરી કૌભાંડ મામલે ઈન્કમ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા તમામ સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આમ જનમત પાર્ટીના હોદ્દેદારોએ મળીને કાવતરું રચ્યું હોવાની ફરિયાદ સહાયક આયકર આયુક્ત કેન્દ્રીય વર્તુળ-2(1) અમદાવાદનાઓ કિરીટકુમાર મુળજીભાઈ પરમારે નોંધાવી છે. ફરિયાદ મુજબ આ કૌભાંડમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરાસિંહ રાઠોડ, પ્રણવ શાહ તથા આકાશ સોની સામેલ હતા.