નખત્રાણાની વીજ કંપનીના સ્ટોરમાંથી થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલી લીધો

બે માસ પૂર્વે નખત્રાણા પીજીવીસીએલ વીજ કંપનીની વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી રૂા. ત્રણ લાખથી વધુના મુદ્દામાલની ચોરીનો ભેદ નખત્રાણા પોલીસે ઉકેલી લીધો છે.સૂત્રો પરથી મળતી માહિતી ગત તા. 26/8થી 27/8 દરમ્યાન થયેલી આ ચોરી અંગે જે-તે સમયે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસે આ કામના આરોપી ને ઝડપી તેઓ પાસેથી ચોરાઉ મુદ્દામાલ વાયરના ફીંડલા આશરે વજન 800 કિ.ગ્રા. જેની કિ. રૂા. 1,68,000, એલ્યુમિનિયમની ડિશ હાર્ડવેર નંગ : 100 જેની કિં.રૂા. 37,673 તથા છકડો જેની કિં. રૂા. 1,00,000 એમ કુલ્લે રૂા. 3,05,673નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ કામગીરીમાં નખત્રાણાના પીઆઈ એ. એમ. પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. ડી. બેગડિયા, એ.એસ.આઈ. જયંતીભાઈ માજીરાણા, સબીર અલી બાયડ, હે.કો. મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી, મીત કુમાર પટેલ તથા ગમનાભાઈ સુવાતર જોડાયા હતા.