બિદડા-ખાખર માર્ગપર કાર-એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત

image

માંડવી તાલુકાના બિદડા-ખાખર રોડ પર આજે બપોરે કાર-એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતાં બિદડાના 54 વર્ષીય યુવક નું કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ લખપત તાલુકાના પીપર બાજુ ધ્રાંગાવાંઢમાં ઘરમાં આગ લાગતાં તેમાં 35 વર્ષીય યુવાન દાઝી જતા તેનું સારવાર દરમ્યાન મોત થયું છે. માંડવી તાલુકાના બિદડા-ખાખર રોડ પર રાજબાગ પાસે આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ બલેનો ગાડીને ઓવરટેક કરી ગ્રાન્ડ વિટારા ગાડી આગળ જઈ રહેલી એક્ટિવા ને ટક્કર મારતાં એક્ટિવા સવાર યુવક ને ઈજાઓ થતાં સારવાર અર્થે માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મંદિરના પૂજારી તરીકેની કામગીરી કરતા યુવાન સ્વભાવે શાંત, નિખાલસ, સરળ અને દરેકનું કાર્ય કરી આપવાની ભાવનાવાળા હતા. બિદડા પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. બનાવની જાણ થતાં બિદડાના સુરેશભાઈ સંઘાર તથા માંડવીના નરેનભાઈ સોનીએ પરિવારજનોને સાંત્વના આપી મદદરૂપ થય હતા. બીજી બાજુ લખપત તાલુકાના પીપર બાજુ આવેલી ધ્રાંગાવાંઢમાં એક ઘરમાં ગઇકાલે તા. 19-10ના આગ લાગી હતી. મૂળ ખેડા બાજુના હાલે અહીં રહેતા આ ઘરમાં લાગેલી આગ થકી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેનું આજે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ અંગે તેના પિતા નારાયણ સરોવર પોલીસ મથકે વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.